Get The App

'ચિઠ્ઠી આઈ હૈ' થી મશહૂર ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
'ચિઠ્ઠી આઈ હૈ' થી મશહૂર ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન 1 - image


- કેન્સરની બીમારીને લીધે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

- મૂળ સૌરાષ્ટ્રના જેતપુરના પંકજ ઉધાસનું ઊર્દૂ ગઝલને લોકભાગ્ય બનાવવામાં યોગદાન : દેશભરના ચાહકોમાં આઘાત

- તેમની ગઝલો આત્માને સ્પર્શતી હતી : પીએમ મોદી

મુંબઈ : ઉર્દૂ ગઝલોને સંગીત શોખીનોના હૈયામાં ગીતની જેમ ગાતી અને ગુંજતી કરનારા મશહૂર ગઝલ ગાયક પંરકજ ઉધાસનું લાંબી બીમારી બાદ આજે  ૭૨  વર્ષની વયે અવસાન થયું હતું.  ગુજરાતીભાષી ગઝલ ગાયકે ઊર્દૂ ગઝલને છેલ્લાં ચાર દાયકાની પ્રદીર્ધ કારકિર્દી દરમિયાન દેશ અને દુનિયાને ખુણે ખુણે પહોંચાડી  હતી.

સદ્ગત ગાયકની પુત્રી નાયાબે આ દુ:ખદ સમાચાર આપ્યા હતા. પંકજ ઉધાસને લગભગ છ મહિના પહેલાં કેન્સરનું નિદાન થયા પછી સારવાર હેઠળ હતા. આજે સવારે ૧૧ વાગ્યે બ્રીચ-કેન્ડી હોસ્પિટલમાં તેમણે છેલ્લાં શ્વાસ લીધા હતા. અવસાન સમયે તેમની ઉંમર ૭૩ વર્ષની હતી. આવતી કાલે મંગળવારે સદ્ગતના અંતિમ-સંસ્કાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓ, બોલીવૂડ હસ્તીઓ તથા ચાહકોએ તેમને અંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેમના અનેક મ્યુઝિક વીડિયો તથા ગઝલ્સ પ્લેક કરી તેમને યાદ કર્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ જણાવ્યું હતું કે તેમની ગઝલો સીધી આત્માને સ્પર્શતી હતી. તેમનું સંગીત અનેક પેઢીઓએ માણ્યું હતું. તેઓ ભારતીય સંગીતના જ્યોતિર્ધર હતા. તેમના જવાથી સંગીતની દુનિયામાં એક  શુન્યાવકાશ સર્જાયો છે. 

પંકજ ઉધાસે મોટા ભાઈ અને પાર્શ્વગાયક મનહર ઉધાસના પગલે ગાયક તરીકે આગળ  વધવાનો નિર્ધાર કર્યો હતો. પરંતુ પાર્શ્વગાયન ક્ષેત્રે આગળ વધવાને બદલે તેમણે ઉર્દૂ ગઝલ ગાયન ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ માટે ૧૪ વર્ષ ઉર્દૂ ભાષાના શિક્ષક પાસેતી ઊર્દૂ શીખ્યા હતા. તેમણે એક વાતની નોંધ લીધી હતી કે ઉર્દૂના અઘરા શબ્દો અને શાસ્ત્રીય રાગ પર આધારિત ગઝલો ગવાય છે. મહેફિલો પૂરતી સીમિત રહે છે.

હઝલમાં સહેલા શબ્દો અને ગીત જેવી ધૂન હોય તો  ક્લાસને બદલે માસમાં  પણ લોકપ્રિય થઈ શકે. બસ આ ગુરુમંત્ર અપનાવી પંકજ ઉધાસે ચાર દાયકા સુધી ગઝલને ગાતી અને ગુંજતી રાખી.

સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક આવેલા જેતપુર ગામે ૧૭મી મે ૧૯૫૧માં  જન્મેલા પંકજ ઉધાસે સ્કૂલનું શિક્ષણ રાજકોટમાં લીધું હતું. પહેલેથી જ પરિવારમાં સંગીતનો શોખ હતો. ધીમે ધીમે આગળ વધતા તેમણે મુકેશ અને બીજા પ્લેબેક સિંગરોના ગીતો ગાવાની શરૂ કરી. કોલેજમાં આવ્યા ત્યારે મોટા ભાઈ મનહર હિન્દી ફિલ્મ જગતમાં પાર્શ્વગાયક તરીકે કારકિર્દી શરૂ કરી ચૂક્યા હતા. પણ પંકજ કંઈક નવું કરી દેખાડવા ગઝલ તરફ વળ્યા. ૧૯૮૦માં તેમનું પહેલું ગઝલનું આલબમ 'આહટ ' બહાર પડયું. સંગીતના ચાહકોએ સરળ ધૂનની આ મધુર મુલાયમ કંઠે ગવાયેલી ગઝલોને આવકાર આપ્યો. પછી તો ગઝલના એક પછી એક ૬૦ આલબમ આવ્યા. તેમના બનેવી અને જાણીતા લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીએ પણ તેમને આગળ આવવામાં મદદ કરી હતી.

ગઝલને મેઈન-સ્ટ્રીમમાં લાવવા માટે સરળ શૈલીમાં સ્વરબદ્ધ કરેલી ગઝલો દેશ-વિદેશ મહેફિલોમાં રજૂ કરવા માંડયા.  આ સાથે જ 'નામ' ફિલ્મમાં તેમણે પંકજ ઉધાસના જ રોલમાં ફિલ્મના પડદા પર રજૂ કરેલી ગઝલ ચીઠ્ઠી આઈ હૈ... ગઝલે તો લોકપ્રિયતાની તમામ સરહદો વટાવી દીધી હતી.

ગઝલ ગાયન ક્ષેત્રે ટોચનું સ્થાન મેળવનારા  પંકજ ઉધાસને પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રેષ્ઠ  પાર્શ્વગાયક તરીકે ફિલ્મફેર એવોર્ડ, સંગીત નાટક એકેડેમી એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી તેમને નવાજવામાં આવ્યાં હતાં. આખી દુનિયામાં વસેલા તેમના અગણિત ચાહકો સુધી પંકજ ઉધાસના નિધનના આઘાતજનક સમાચાર પહોંચતા સહુના હૈયા જાણે ધબકાર ચૂકી ગયા હતા. સહુના મનમાંથી એક જ પ્રતિક્રિયા નીકળી હતી કે પંકજ ઉધાસ ભલે ક્ષરદેહે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ તેમની ગઝલો કાયમ ગુંજતી રહેશે અને સ્વરસ્થ ગાયકની હયાતીનો અહેસાસ કરાવતી રહેશે.

ઝેવિયર્સનાં વોઈસ ઓફ  મુકેશ તરીકે જાણીતા

પંકજ ઉધાસ મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં ભણતા ત્યારે તેમનાથી જુનિયર સાથી અને પછી ફિલ્મ સંગીત ક્ષેત્રના ટોચના ગીરારીસ્ટ બનેલા જયંતી ગોશરે કહ્યું હતું  કે કોલેજમાં અમે ભેગા થઈ એક ઓરકેસ્ટ્રા ઊભી કરેલી એમાં પંકજભાઈ મુખ્યત્વે મુકેશના ગીતો ગાતા. એટલે વોઈસ ઓફ મુકેશ ગણાતા. ત્યાર પછી ત્રણેય ભાઈઓ મનહર, નિર્મળ, પંકજે મળીને સ્ટેજ પ્રોગ્રામો શરૂ કર્યા ત્યારે પણ હું ગીટાર પર સંગત કરતો. મનહરભાઈને કલ્યાજી-આણંદજીને લીધે પ્લેબેક સિંગર બનવાની તક મળી ગઈ હતી. જ્યારે પંકજભાઈએ ગઝલ ગાયકીનું ક્ષેત્ર પસંદ કરી નામના મેળવી હતી.

મશહૂર ગઝલો

ચાર દાયકાની સૂરીલી કારકિર્દી દરમિયાન પંકજ ઉધાસે અનેક ગઝલો ગાઈ છે. એમાંથી કેટલીય ગઝલો તો વર્ષોના વર્ષો વિત્યા છતાં લોકજીભે રમ્યા જ કરે છે. આ ગઝલો કોણ ભૂલી શકે?

* ચીઠ્ઠી આઇ હૈ આઇ હૈ....

* ચાંદી જૈસા રંગ હે તેરા...

* થોડી થોડી પિયા કરો...

* મૈં નશે મે હૂં...

* એક તરફ ઉસકા ઘર...

* નીકલો ના બેનકાબ...

* દિલ ધડકને કા સબબ યાદ આયા...

* આપ જીનકે કરીબ હોતે હૈ...

* દિવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ...

* એક ઐસા ઘર ચાહિયે મુઝકો...

* શરાબ ચીઝ હી ઐસી હૈ ના છોડી જાયે...

* જીયે તો જીયે કૈસે બિન આપકે...

* ના કજરે કી ધાર...

* મત કર ઇતના ગુરૂર...

* મોહે આઇના જગ સે લાજ...

* મે ઇચના નાચી આજ કે ઘુંઘરૂ તૂટ ગયે..


Google NewsGoogle News