પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીને લખનૌ કોર્ટે કસ્ટડીમાં લીધી, જાણો સમગ્ર મામલો
- કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરન્ટ રદ કરાવા માટે સપના કોર્ટમાં આવી હતી
લખનૌ, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર
પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી સોમવારે સંતાઈને કોર્ટમાં હાજર થઈ હતી. સપનાને કોર્ટે કસ્ટડીમાં લીધી છે. સપના ચૌધરીએ લખનૌ આવ્યા બાદ કોઈને જાણ નથી થવા દીધી. સોમવારે તે રૂમ નંબર 204માં સ્થિત ACJM 5 શાંતનુ ત્યાગીની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરન્ટ રદ કરાવા માટે સપના અહીં આવી હતી.
1 મેં 2019ના રોજ સપના ચૌધરી વિરુદ્ધ વિશ્વાસ ભંગ અને છેતરપિંડીના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે 20 જાન્યુઆરી 2019ના રોજ આયોજક ઝુનૈદ અહમદ, ઈવાદ અલી, રત્નાકર ઉપાધ્યાય અને અમિત પાંડેય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
13 ઓક્ટોબર 2019ના રોજ લખનૌના સ્મૃતિ ઉપવનમાં બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી સપનાનો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામમાં એન્ટ્રી માટે વ્યક્તિ દીઠ 300 રૂપિયામાં ઓનલાઈન અને ઓફલાઈન ટિકીટ વેચવામાં આવી હતી. આ પ્રોગ્રામને જોવા માટે હજારો લોકોએ ટિકીટ ખરીદી હતી પરંતુ રાત્રે 10:00 વાગ્યા સુધી સપના ચૌધરી નહોતી આવી. પ્રોગ્રામ શરૂ ન થતા લોકોએ હંગામો કર્યો હતો પરંતુ આયોજકોએ ટિકીટ ધારકોને પૈસા પાછા નહોતા આપ્યા. 14 ઓક્ટોબર 2018ના રોજ આશિયાના પોલીસ સ્ટેશનમાં આ મામલે રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી.