મુસ્લિમ યુવક સાથે લગ્ન બાદ ટ્રોલ થઈ ફેમસ અભિનેત્રી, પછી કહ્યું- હું હંમેશા હિન્દુ જ રહીશ
Image : Instagram |
Priyamani : શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં જોવા મળેલી અભિનેત્રી પ્રિયામણીએ એક ઈન્ટરવ્યુમાં પતિ મુસ્તફા રાજ સાથે લગ્ન કરવા અંગે અને ટ્રોલ થવાની લઈને વાત કરી છે.
વર્ષ 2016માં પ્રિયમણિએ બોયફ્રેન્ડ મુસ્તફા રાજ સાથે સગાઈ કરી હતી. બંનેની મુલાકાત બેંગલુરુમાં એક આઈપીએલ મેચ દરમિયાન થઈ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. બંનેના ધર્મો અલગ હોવાથી તેમની વચ્ચેના સંબંધો વિવાદોમાં રહ્યા હતા. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે તો ત્યાં સુધી કહ્યું હતું કે પ્રિયમણિના બાળકો 'આતંકવાદી' હશે.
સગાઈની ઘોષણા પછી ટ્રોલિંગ વિશે વાત કરતા પ્રિયમણીએ કહ્યું, 'લોકો મને મેસેજ કરીને કહેતા હતા કે, જેહાદ, મુસ્લિમો, તમારા બાળકો આતંકવાદી હશે, જેની અસર મારા પર પડી. તે હૃદયદ્રાવક હતું. ઘણાં ટોચના કલાકારો છે, કે જેમણે અલગ-અલગ ધર્મ અને જાતિમાં લગ્ન કર્યા છે. જરૂરી નથી કે તેઓએ એ બીજો ધર્મ અપનાવ્યો હોય કે તેણે અનુસરવાનું શરૂ કર્યું હોય. તેઓ અલગ-અલગ ધર્મના હોવા છતાં પ્રેમમાં પડ્યા હતા. મને સમજાતું નથી કે આમાં આટલી બધી નફરત ફેલાવવાની શું વાત છે.'
પોતાની સાથે બનેલી તાજેતરની ઘટના વિશે પ્રિયમણીએ જણાવ્યું હતું કે, 'ઈદના તહેવાર પર મેં લીલા કલરનો શરારા અને સુંદર ઝુમ્મર પહેરેલો એક ફોટો શેર કર્યો હતો. તેણે લઈને લોકો કહ્યું કે મેં ઈસ્લામ અંગીકાર કરી લીધો છે. તમને કેવી રીતે ખબર પડી કે મેં ધર્મ પરિવર્તન કર્યું છે? આ મારો નિર્ણય છે. હું હિંદુ છું અને હંમેશા મારા ધર્મનું પાલન કરીશ. મેં મુસ્તફાને પહેલેથી જ સ્પષ્ટપણે કહી દીધું હતું કે હું મારો ધર્મ બદલશે નહીં.'
પ્રિયમણીએ વધુમાં કહ્યું કે, 'હું અને મુસ્તફા એકબીજાના ધર્મનું સન્માન કરીએ છીએ. હવે અમને લોકો શું કહે છે તેની પરવા નથી.' પ્રિયમણીએ 2017માં બેંગલુરુમાં મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા હતા.