‘બધાનુ ઘર ચાલવુ જોઇએ': આ સુપરસ્ટાર્સ આવ્યો મૂવી મેકર્સની તરફેણે, ફી ઘટાડવાની કરી જાહેરાત
Image Source :instagram
ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ સ્ટાર્સની વધતી ફી અને ખર્ચને જોઈને મેકર્સ મોટા સ્ટાર્સને કાસ્ટ કર્યા બાદ ફિલ્મના બજેટને લઈને ખૂબ જ ચિંતિત છે. પરંતુ હવે કાર્તિક આર્યનએ આના પર પ્રતિક્રિયા આપી છે. કાર્તિક આર્યને કહ્યું કે, તે તેની ફી ઘટાડવા માટે તૈયાર છે અને દરેકનો ફાયદો ઇચ્છે છે.
કાર્તિકનું માનવું છે કે કોઈ પણ ફિલ્મ બનાવવા માટે ઘણા લોકો મહેનત કરે છે. તેથી બધાનું ઘર ચાલવુ જોઇએ.
મેકર્સ સ્ટાર ફીને લઈને ચિંતિત
ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્સની ફીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક સ્ટાર્સની ફી સાંભળીને જ હોશ ઉડી જાય. ત્યારે આ સ્ટાર્સની વધતી ફીને લઈને ચર્ચા ચાલી રહી છે. નિર્માતાઓ માટે ફિલ્મનું બજેટ અને સ્ટાર્સની ફીનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.
અનુરાગ કશ્યપ અને ફરાહ ખાન જેવા ઘણા ફિલ્મ નિર્માતાઓ પણ આગળ આવ્યા છે અને કહ્યું છે કે, સ્ટાર્સનું બજેટ ફિલ્મના બજેટને અસર કરે છે. દરમિયાન કાર્તિક આર્યને તેની ફી ઘટાડવાની જાહેરાત કરી છે.
દરેક વ્યક્તિનું ઘર ચાલવુ જોઇએ
એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને સ્ટાર્સની ફી અને તેની ફિલ્મોને લઈને અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે.કાર્તિક આર્યને કહ્યું કે, હું ક્યારેય એવું વિચારીને કામ કરતો નથી કે જો કંઈક થશે તો હું ઘણું કમાઈશ. કારણ કે ફક્ત પોતાના વિશે જ વિચારવું ખોટું છે. મારા નિર્દેશક અને નિર્માતા પણ એટલી જ મહેનત કરી રહ્યા છે. રિવ્યુ સિવાય પણ બોક્સ-ઓફિસ નંબરો પણ જરૂરી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું મારી ફી ઘટાડવા માટે હંમેશા તૈયાર છું. કારણ કે ઘણા લોકો એક ફિલ્મ પર સખત મહેનત કરે છે, તે દરેકનું ઘર ચાલવુ જોઇએ. રેકને કોઈને કોઈ રીતે લાભ મળવો જોઈએ.
મહત્વનું છેકે, 1 દિવસ પહેલાં જ કાર્તિક આર્યન ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે હતો, જ્યાં તેણે અટલ બ્રિજની પણ મુલાકાત લીધી હતી. એક્ટરની આગામી ફિલ્મ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા 'ચંદુ ચેમ્પિયન' 14 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. જો ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મે માત્ર બે દિવસમાં લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે અને કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ રિલીઝ થનારી આ ફિલ્મથી હિટ કમાણી કરી શકે છે.