રણવીર મુકેશ ખન્નાને મનાવવા પહોંચ્યો છતાં શક્તિમાનનું કોકડું યથાવત્
- શું વાત થઈ તે જણાવવા મુકેશ ખન્નાનો ઈનકાર
- મુકેશ ખન્નાના દાવા અનુસાર લોકો મોહિત રૈના કે વિદ્યુત જામવાલને આ રોલમાં જોવા ઈચ્છે છે
મુંબઈ : 'શક્તિમાન' ટીવી સિરિયલ પરથી ફિલ્મ બનાવવાનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું રહ્યું છે. આ ફિલ્મના ટાઈટલ રોલ માટે રણવીર સિંહ નક્કી થયા બાદ મુકેશ ખન્નાએ તેની સામે વાંધો લીધો હતો. તાજેતરમાં રણવીર આ બાબતે મુકેશ ખન્નાને મનાવવા પહોંચ્યો હતો. મુકેશ ખન્નાએ રણવીર સાથે તેની વાતની વિગતો આપવાનો ઈનકાર કર્યો છે પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે લોકો મોહિત રૈના, વિદ્યુત જામવાલ કે રજનીકાંત જેવા કલાકારને શક્તિમાન તરીકે જોવા ઈચ્છે છે.
મુકેશ ખન્નાએ અગાઉ રણવીરને 'શક્તિમાન'નો રોલ સોંપવા સામે વાંધો લેતાં કહ્યુ ંહતું કે શક્તિમાનનું પાત્ર દેશના લાખો બાળકો માટે પ્રેરણા રુપ છે. રણવીર જેવા નગ્ન ફોટો શૂટ કરાવનારા કલાકારને આવો રોલ આપી શકાય નહિ. રણવીર આ રોલ માટે જરાય ફિટ નથી.
જોકે, હાલમાં રણવીર જાતે કાંદિવલીમાં આવેલી મુકેશ ખન્નાની ઓફિસે ગયો હતો અને તેને મનાવવા પ્રયાસ કર્યા હતા. મુકેશ ખન્નાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પરથી રણવીરના વિરોધની તમામ પોસ્ટ ડિલિટ થઈ ચૂકી છે.
જોકે, બુધવારે મુકેશ ખન્નાએ ફરી એક વીડિયો રીલિઝ કરતાં કહ્યું હતું કે હા, રણવીર મને મળવા આવ્યો હતો પરંતુ તેની સાથેની વાતોની વિગતો જાહેર કરવી ઈચ્છનીય નથી.
મુકેશ ખન્નાએ કહ્યું હતું કે લોકો તેને પોતાને અથવા તો મોહિત રૈના, વિદ્યુત જામવાલ કે રજનીકાંત અને ઈવન આર્નોલ્ડ શ્વાર્ઝનોગર જેવા કલાકારને શક્તિમાન તરીકે જોવા ઇચ્છે છે.
બીજી તરફ આ ફિલ્મના નિર્માતાઓ અગાઉ એમ જણાવી ચૂક્યા છે કે મુકેશ ખન્નાએ સીરિયલમા મુખ્ય પાત્ર ભજવ્યું હતું એ બરાબર છે પરંતુ આ સીરીઝ પર તેના કોઈ કોપીરાઈટ્સ નથી .તે કાસ્ટીંગ બાબતે વાંધો લઈ ફિલ્મ અટકાવી શકે નહીં. પરંતુ, રણવીર શક્તિમાન તરીકેની ઓળખમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા મુકેશ ખન્નાને નારાજ કરીને આગળ વધવા માગતો નથી.