છેક હવે નાગા ચૈતન્યએ એક્સ સામંથાની સીરીઝનાં વખાણ કર્યાં
- ફેમિલી મેનથી પ્રભાવિત થયાનું કબૂલ્યું
- એક્સ હસબન્ડ વાઈફ ફરી એકમેકની નિકટ આવી રહ્યાનો વધુ એક પુરાવો
મુંબઈ : સામંથા રુથ પ્રભુના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યએ હવે રહી રહીને સામંથાની ઓટીટી સીરીઝ 'ફેમિલી મેન ૂ'નાં વખાણ કરતાં આ ભૂતપૂર્વ પતિ પત્ની વચ્ચે કડવાશ ઓગળી રહી છે અને તેઓ ફરી નિકટ આવી રહ્યાં છે તેવો વધુ એક પુરાવો સાંપડતાં ચાહકો રાજી થયા છે.
નાગા ચૈતન્યએ એક સંવાદમાં જણાવ્યું હતું કે 'ફેમિલી મેન' જોઈને પોતે આભો રહી ગયો હતો અને હવે આ સીરીઝ તેના ફેવરિટ શોમાંની એક છે.
તેણે આ સીરીઝમાં સામંથાના અભિનયનાં પણ વખાણ કર્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે પોતાના લગ્નજીવનમાં જે કાંઈ બન્યું તેનો પોતાને ખેદ છે પરંતુ અમે જે સમય સાથે ગાળ્યો છે તેના માટે મને આદર છે.
નાગા ચૈતન્ય અને સામંથા ભારે કડવાશ સાથે છૂટાં પડયાં હતાં. જોકે, તાજેતરમાં એવા એકથી વધુ પુરાવા સામે આવ્યા છે જેના પરથી બંને વચ્ચેની કડવાશ ઘટી રહી હોવાનું ચાહકો માની રહ્યા છે.
સામંથાની દેખભાળ હેઠળ જ મનાતો તેમનો પેટ ડોગ થોડા સમય પહેલાં નાગા ચૈતન્ય સાથે પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સામંથાએ નાગાના નામનું ચાય લખેલું ટેટૂ રિમૂવ કરાવી દીધું હોવાનું મનાતું હતું પરંતુ સામંથાએ તાજેતરમાં જ કેટલીક તસવીરોમાં આ ટેટૂ ફલોન્ટ કર્યું હતું.
બંને કદાચ ફરી એક છત હેઠળ ન આવે પરંતુ ઓનસ્ક્રીન પણ સાથે આવશે કે કેમ તેવી ઉત્સુકતા ચાહકો સેવી રહ્યા છે.
જોકે, સાઉથના વર્તુળોમાં ચર્ચા અનુસાર હાલ નાગા ચૈતન્યનું અફેર ઓટીટીની ટોચની હિરોઈન શોભિતા ધુલીપાલા સાથે ચાલે છે અને તેથી તેના અને સામંથા વચ્ચે ફરી રિલેશનશિપની કોઈ શક્યતા નથી.