બોલીવૂડ હિરોઈનોના મેરેજ કોશ્ય્યુમમાં પણ કોપી પેસ્ટ
- રકૂલની તસવીરો વાયરલ થયા પછી ટિપ્પણીઓ
- અનુષ્કાએ પેસ્ટલ લહેંગાની શરુઆત કરી તે પછી કિયારા, પરિણિતી, આલિયાના વસ્ત્રોમાં સામ્યતા
મુંબઇ : રકૂલ પ્રિત સિંઘ અને જેકી ભગનાનીએ ગોવામાં કરેલાં લગ્નની તસવીરો વાયરલ થઈ છે તે પછી નેટ પર અનેક ચાહકો એવી ટિપ્પણી કરી રહ્યા છે કે બોલીવૂડની હિરોઈનો કે તેમના વેડિંગ પ્લાનર્સ વેડિંગ કોશ્ચ્યૂમમાં પણ કોઇ વિવિધતા લાવતા નથી. છેલ્લા કેટલાક સમયથી મોટાભાગની બોલીવૂડ દુલ્હન લગભગ એકસરખા વેડિંગ કોશ્ચ્યુમમાં દેખાઈ રહી છે.
લગ્ન વખતે દુલ્હન મોટાભાગે લાલ વસ્ત્રોમાં જ સજ્જ થાય તેવી પરંપરા અનુષ્કા શર્માએ તોડી હતી. તે પોતાનાં લગ્નમાં પેસ્ટલ લહેંગામાં જોવા મળી હતી. તે વખતે ફેશન ડિઝાઈનર્સ સહિત ફિલ્મ ચાહકો પણ અનુષ્કાએ ચીલો ચાતર્યો તેનાથી ઓવારી ગયા હતા.
જોકે, એ પછી બોલીવૂડમાં થયેલાં મોટાભાગનાં મેરેજીસમાં પેસ્ટલ, પિંક કે આઈવરી શેડ્સના એકસરખા વેડિંગ કોશ્ચ્યુમ રિપિટ જ થતા રહ્યા છે.
તાજેતરમાં પરિણિતાના લગ્ન વખતે તેના શણગારમાં આલિયાની બેઠી કોપી કરવામાં આવી હોવાની પણ વ્યાપક ટીકા થઈ હતી.
સંખ્યાબંધ ફેશન પરસ્ત ચાહકોએ ટીકા કરી હતી કે ભારતીય લગ્નોમાં મોટાભાગે એકદમ બ્રાઈટ વૈવિધ્યસભર કલર્સ જોવા મળે છે. આપણાં લગ્નોનાં ભાતીગળ વસ્ત્રો આપણી ઓળખ છે. પરંતુ, મોટાભાગનાં બોલીવૂડ લગ્નોમાં હિરોઈનો ક્રિશ્ચિયન નવવધૂ જેવો જ શણગાર કરે છે.
અનેક લોકોએ એવી ટિપ્પણીઓ કરી હતી કે બોલીવૂડ સ્ટાર્સની ફિલ્મોમાં હોલીવૂડનું કોપી પેસ્ટ હોય છે, ફિલ્મોનાં સંગીતમાં પણ ઉઠાંતરી કરવામાં આવે છે. એકસરખી બીબાંઢાળ વાર્તાઓ ચાલે છે અને તેઓ તેમના લગ્ન સમારોહમાં પણ એકબીજાની નકલો કર્યા કરે છે.