લોસ એન્જલસની આગમાં માંડ માંડ બચી ભારતીય અભિનેત્રી, કહ્યું- મેં આવું પહેલા ક્યારેય નથી જોયું
America Los Angeles Fire : અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે ભારે પવનના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની છે. કેટલીક જગ્યાએ 97 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ રહી છે અને તેમાં એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 1.30 લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. તો હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને ખાક થઈ ગયા છે. આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રીઓ પણ મુશ્કેલીમાં મુકી છે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ આગની ભયાનક સ્થિતિ વર્ણવ્યા હતી અને હવે અભિનેત્રી નોરા ફતેહી પણ આગમાં માંડ માંડ બચી હોવાની વિગતો સામે આવી છે. નોરાએ કહ્યું કે, તેણે આવું પહેલા ક્યારેય જોયું નથી.
નોરા ફતેહી જંગલની આગમાં ફસાઈ, ઘર ખાલી કરી ભાગવું પડ્યું
લોસ એન્જલસમાં લાગેલી આગને પાડોશી રાજ્યોના ફાયર ફાઈટરો પણ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે તેને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી વિનાશક આગ ઝડપથી ફેલાઈ ગઈ છે અને 15,000 એકરથી વધુ વિસ્તારને ઝપેટમાં લીધા છે. આ વિસ્તાર સેલિબ્રિટીઝના ઘર માટે જાણીતો છે, જેમાંથી મોટાભાગની હોલીવુડ સેલિબ્રિટીઓ છે. આ જ ક્રમમાં અભિનેત્રી નોરા ફતેહી પણ જંગલની આગમાં ફસાઈ ગઈ અને તેણે પોતાનું ઘર ખાલી કરીને ભાગવું પડ્યું છે. નોરાએ વીડિયો શેર કરીને આખી વાત જણાવી છે.
નોરા માંડ માંડ બચી
નોરાએ ઈન્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. પહેલા વીડિયોમાં જંગલની આગ જોવા મળી રહી છે. જ્યારે તે બીજા વીડિયોમાં કહી રહી છે કે, તેઓ આગમાંથી કેવી રીતે બચીને ભાગ્યા અને કેવી રીતે ફટાફટ પોતાનો સામાન પેક કરીને જીવ બચાવ્યો. નોરા વીડિયોમાં કહી રહી છે કે, ‘હું લોસ એન્જલસમાં છું અને જંગલમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક છે. મેં આવું પહેલા ક્યારેય જોયું નથી. અમને પાંચ મિનિટ પહેલા જ ત્યાંથી જતા રહેવાનો આદેશ મળ્યો છે, તેથી હું ફટાફટ સામાન પેક કરીને અહીંથી નીકળી રહી છું. હું એરપોર્ટ પાસે જઈશ અને ત્યાં જ રહીશ. આજે મારી એક ફ્લાઈ છે અને મને આશા છે કે, તે કેન્સલ નહીં થાય. આખ ખૂબ જ ભયાનક છે. મેં પહેલા ક્યારેય આવો અનુભવ કર્યો નથી. હું તમામ લોકોને અપડેટ આપતી રહીશ. મને આશા છે કે, હું સમયસર બહાર નીકળી શકીશ અને મને વિશ્વાસ છે કે, લૉસ એન્જલસના લોકો સુરક્ષિત રહે.’
પ્રિયંકા ચોપડાએ પણ શેર કરી હતી પોસ્ટ
હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ આ દાવાનળ મુદ્દે પ્રતિક્રિયા આપતાં વીડિયો રજૂ કર્યા હતા. તેમજ તેની ભયાનકતા રજૂ કરી હતી. તેણે સ્ટોરીમાં જણાવ્યું હતું કે, હાલ ફાયરબ્રિગેડ બચાવ કામગીરી કરી રહી છે. તેણીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લોસ એન્જલસના જંગલમાં ભીષણ આગ સંબંધિત અનેક ફોટો અને વીડિયો શેર કર્યા હતા. એક્ટ્રેસે આગનો દાવાનળ સતત વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ ભયાનક આગથી જે પણ અસર થઈ છે, મારી સંવેદના તેમની સાથે છે. આશા છે કે, આજે રાત્રે આપણે સૌ સુરક્ષિત રહીએ. તેણે બીજો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં દેખાઈ રહ્યું છે કે, કેટલીક કારો લોસ એન્જલસના રસ્તાઓ પર પડી છે અને સામે જંગલમાંથી આગ પ્રસરી રહી છે. આગનો ફેલાવો જોતાં તે હજારો ઘરોને બાળીને ખાખ કરી શકે તેવી ભીતિ પણ સર્જાઈ છે.
આ પણ વાંચો : લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન ખાક, ઇમરજન્સી જાહેર