ઈમરજન્સી કંગનાની સતત દસમી ફલોપઃ રાશાની આઝાદ ઉતરી જ ગઈ
- આલિયાની ફલોપ જિગરા કરતાં હાલત ખરાબ
- ઈમરજન્સી બજેટના ચોથાભાગનું પણ ન કમાઈ, રાશાની ફિલ્મમાં પાંચ ટકા પણ પ્રેક્ષકો નહિ
મુંબઈ: 'ઈમરજન્સી' કંગનાની સતત દસમી ફલોપ ફિલ્મ પુરવાર થઈ છે. આ ફિલ્મ અત્યાર સુધી તેના બજેટના માંડ ૨૨ ટકા કમાઈ શકી છે. આલિયા ભટ્ટની કેરિયરની સૌથી મોટી ફલોપ 'જિગરા' કરતાં પણ વધારે ભૂંડા હાલ 'ઈમરજન્સી'ના થયા છે. બીજી તરફ રવીના ટંડનની દીકરી રાશાની ડેબ્યૂ ફિલ્મ 'આઝાદ' તો શરુઆતના દિવસોમાં જ બોક્સ ઓફિસ પર ગોથું ખાઈ ગઈ છે અને રીલિઝ થયાના પહેલાં વીકની અંદર જ કેટલાંય થિયેટરોએ આ ફિલ્મ ઉતારી લીધી છે.
કંગનાએ છેલ્લે ૨૦૧૫માં તેની છેલ્લી હિટ ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' આપી હતી. તે પછી તેની દસ ફિલ્મો આવી છે અને તમામ ફલોપ થઈ છે.
'ઈમરજન્સી'ની છ દિવસની કમાણી ૧૩ કરોડ માંડ થઈ છે. તેની સામે આલિયાની સુપર ફલોપ 'જિગરા'નું લાઈફટાઈમ કલેક્શન માંડ ૩૨ કરોડ હતું. આમ 'ઈમરજન્સી' 'જિગરા' કરતાં અડધાં કલેક્શન પર પહોંચશે કે કેમ તે અંગે શંકા સેવાય છે.
બીજી તરફ રાશા તથા અજય દેવગણના ભત્રીજા અમન દેવગણની ડેબ્યૂ ફિલ્મ 'આઝાદ'ની છ દિવસની કમાણી માંડ સાડા છ કરોડ રહી છે.
થિયેટરમાં તેને પાંચ ટકા પણ પ્રેક્ષકો ન મળતાં અનેક થિયેટરોએ તેના શો બંધ કરી દીધા છે.