નવી મુસીબતમાં ફસાયો એલ્વિશ યાદવ, યૂટ્યૂબર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ, જાણો મામલો
- Pfa સંસ્થા સાથે જોડાયેલા અધિકારી ગૌરવ ગુપ્તાએ આ ફરિયાદ નોંધાવી
Image Source: Instagram
ગાઝિયાબાદ, તા. 12 માર્ચ 2024, મંગળવાર
યૂટ્યૂબર એલ્વિશ યાદવ હવે એક નવી મુસીબતમાં ફસાયો છે. એલ્વિશ સતત વિવાદોમાં આવી રહ્યો છે. હવે તેની વિરુદ્ધ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. Pfa સંસ્થા સાથે જોડાયેલા અધિકારી ગૌરવ ગુપ્તાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે એલ્વિશ દ્વારા તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
એલ્વિશ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
એલ્વિશ યાદવ વિરુદ્ધ આપવામાં આવેલી ફરિયાદમાં ફરિયાદી ગૌરવ ગુપ્તાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમને અને તેમના ભાઈને એલ્વિશ અને તેમની સાથે જોડાયેલા લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે પીએફએ સાથે સંકળાયેલા બે ભાઈઓ ગૌરવ અને સૌરવ ગુપ્તા અને તેમની પીએફએની ટીમ દ્વારા એલ્વિશનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પીએફએ અધિકારીઓએ 2 નવેમ્બર 2023ના રોજ નોઈડામાં સ્નેક વેનમ ગેંગનો પર્દાફાશ કર્યો હતો જેમાં એલ્વિશનું નામ પણ સામેલ હોવાનું જણાવ્યુ છે. પીએફએ અધિકારીઓએ એલ્વિશ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ નોઈડાના પોલીસ સ્ટેશન સેક્ટર 49માં FIR નંબર 461/2023 નોંધાવી હતી.
ગૌરવ ગુપ્તાનો આરોપ છે કે આ ફરિયાદ નોંધાવી ત્યાર બાદથી તેમને અને તેમના ભાઈ સૌરવને એલ્વિશ અને તેના સાથીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સાથે જ કેસ પરત ખેંચવાની પણ વાત કહેવામાં આવી રહી છે. આટલું જ નહીં તેમને જાનથી મારી નાખવા, ઘરેથી ઉઠાવી લઈ જવા અને જોઈ લઈશુ જેવી ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ મામલે ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન વિસ્તારમાં રહેતા પીએફએ અધિકારી ગૌરવ ગુપ્તાએ કંટાળીને લેખિત ફરિયાદ આપી છે. આ સાથે જ એલ્વિશ યાદવ અને તેના સાથીઓ વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલાની ACP નંદગ્રામ રવિ કુમાર સિંહે પણ તેની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે PFA સાથે જોડાયેલા અધિકારી સૌરવ દ્વારા નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. સૌરવ ગુપ્તાએ તેમને અને તેમના ભાઈ ગૌરવ ગુપ્તાને એલ્વિશ યાદવ અને તેના સાથીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે અને કેસ નોંધીને કાર્યવાહીની માગ કરી છે. હાલમાં પોલીસ ફરિયાદની તપાસ કરી રહી છે અને તપાસ બાદ મળેલા તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.