યુટ્યુબર સાથે મારામારી મામલે એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, પોલીસે મોકલી નોટિસ
Elvish Yadav Controversy : યૂટ્યૂબર અને બિગ બૉસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ હાલના દિવસોમાં મારામારી વાળા વિવાદોને લઈને ચર્ચામાં છે. ગત દિવસે જ એક્ટરનો મારામારી વાળો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બીજા યૂટ્યૂબર સાથે મારામારી કરતો નજરે પડતો હતો. જેના પર ખુબ વિવાદ થયો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા. તેવામાં હવે એલ્વિશ યાદવને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે કે તેમને કપડાની દુકાનમાં યૂટ્યૂબર સાગર ઠાકુર સાથે મારામારી કરવા મામલે પોલીસે નોટિસ મોકલી છે.
એલ્વિશને 12 માર્ચે પોલીસ સ્ટેશન હાજર રહેવા નોટિસ
એલ્વિશ યાદવને ગુરુગ્રામ સેક્ટર 53 પોલીસ સ્ટેશન તરફથી શનિવારે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 41A (પોલીસ સમક્ષ હાજર થવાની સૂચના) હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી. તેને મંગળવારે (12 માર્ચ) પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
10 લોકો વિરૂદ્ધ દાખલ કરાયો છે કેસ
મીડિયા રિપોર્ટ્સમાં એસીપી કપિલ અહલાવતના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે એલ્વિશ યાદવ સહિત 8-10 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે. કેસની તપાસ ચાલી રહી છે. વિવાદનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યૂટ્યૂબ પર મેક્સટર્ન નામથી ઓળખાતા ઠાકુરે એક વીડિયો શેર કર્યો. જેમાં તેમણે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર ઘર્ષણ બાદ એલ્વિશ યાદવ અને તેમના મિત્રોએ તેમને માર માર્યો હતો.
મેક્સટર્ને એલ્વિશ પર જાનથી મારી નાખવાનો લગાવ્યો આરોપ
એટલું જ નહીં, મેક્સટર્ન તરફથી એલ્વિશ યાદવ પર કેટલાક ગંભીર આરોપ લગાવાયા છે. યૂટ્યૂબરનું કહેવું છે કે, એલ્વિશે તેમને જાનથી મારવાની ધમકી આપી છે. તેઓ તેમને મારવા માટે 8-9 ગુંડા લઈને પહોંચ્યા હતા. મેક્સટર્ને દાવો કર્યો છે કે તમામ નશામાં ધુત હતા. તેમણે માંગ કરી છે કે જલ્દીથી જલ્દી એલ્વિશ યાદવની ધરપકડ કરી લેવામાં આવે. મેક્સટર્ન દિલ્હીના મુકંદપુર વિસ્તારમાં રહે છે. તે પણ એલ્વિશ જેવા જ એક ફેમસ યૂટ્યૂબર છે. તેમણે 2017માં કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.