આ સન્માન મેળવાનારી પહેલી ભારતીય છે એકતા કપૂર, એવોર્ડ જીત્યા બાદ આપી ઈમોશનલ સ્પીચ
નવી મુંબઇ,તા.21 નવેમ્બર 2023, મંગળવાર
ન્યૂયોર્કમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.
ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસને આ ઇન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે. એમી એવોર્ડ જીત્યા બાદ તેમણે ઇમોશનલ સ્પીચ પણ આપી હતી.
એવોર્ડ મેળવ્યા બાદ એકતાએ સ્પીચ આપતા કહ્યું કે, “પોતાની 18 વર્ષની ઉંમરે અમે બંને અમારી આઇડેન્ટી શોધવા નીકળ્યા હતા. મને હજુ પણ યાદ છે જ્યારે અમે લોકોને કહ્યું કે, અમે પ્રોડ્યુસર બનવા માંગીએ છીએ. ત્યારે લોકોને આશ્ચર્ય થયું કારણ કે, તે જમાનામાં પ્રોડ્યુસર એટલે માત્ર મેઈલ સાથે જોડાયેલ હતુ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના પ્રતિનિધિત્વની રીત બદલાઈ છે. હું મારા પિતા અને ભાઈનો આભાર માનું છું, જેઓ મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભા રહ્યા.
વધુમાં તેમણે કહ્યું કે “હું મારા પુત્ર અને ભત્રીજા લક્ષ્યનો પણ આભાર માનું છું, જેમણે મને શીખવ્યું કે ક્યારેક સૌથી મુશ્કેલ પાસ્ટ પર ક્યારેક ક્યારેક ચમત્કાર લાવી શકે છે. હું મારા મિત્રો તરુણ અને રિદ્ધિ, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ભારતીય ફિલ્મ સમુદાયનો પણ આભાર માનું છું, જેમના કારણે હું આજે અહીં ઉભી છું. હું આપણા દેશ ભારતનો પણ આભાર માનું છું કારણ કે, મને તેમાં મારું પ્રતિબિંબ દેખાય છે. હું આ એવોર્ડ ભારતને સમર્પિત કરવા માંગુ છું. મારી માતૃભૂમિ જેના માટે હું આ એવોર્ડ ઘરે લઇ જઇ રહી છું.
મહત્વનું છેકે, આ એવોર્ડ મળતા એકતા કપૂરને ફિલ્મ અને ટેલિવિઝન સમુદાયના ઘણા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તુષાર કપૂર, રિદ્ધિ ડોગરા સહિત અનેક પ્રખ્યાત લોકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.