Get The App

કોલ્ડપ્લે અને દિલજીતના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી, દિલ્હી-મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં EDના દરોડા

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
કોલ્ડપ્લે અને દિલજીતના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી, દિલ્હી-મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં EDના દરોડા 1 - image


ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલ્ડપ્લે અને દિલજીત દોસાંઝના દિલલુમિનાટી કોન્સર્ટની ટિકિટોના ગેરકાયદેસર વેચાણ મામલે દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ, બેંગ્લોરમાં દરોડા પાડ્યા છે. દિલજીત દોસાંઝના શોનું નામ છે ‘દિલલુમિનાટી’ અને કોલ્ડપ્લેના શોનું નામ છે ‘મ્યુઝિક ઑફ ધ સ્ફેયર્સ વર્લ્ડ ટૂર’છે. બંને કોન્સર્ટના મુખ્ય સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર, Bookmyshow અને Zomato Liveએ  જણાવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પરની તમામ ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. જેના કારણે ટિકિટની કાળાબજારી શરૂ થઈ છે.

દિલજીત દોસાંઝના શો ની નકલી ટિકિટ વેચવાનો મામલો

ટિકિટના ઝડપી વેચાણ બાદ નકલી ટિકિટના વેચાણ દ્વારા છેતરપિંડીની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ઘણા લોકોને જાણવા મળ્યું કે તેઓને નકલી ટિકિટો વેચવામાં આવી હતી અથવા કાયદેસર ટિકિટો માટે તેમની પાસેથી વધુ પડતી રકમ વસૂલવામાં આવી હતી.આ અંગે ઘણા રાજ્યોમાં ઘણી FIR નોંધવામાં આવી છે. BookMyShowએ પણ ઘણા શંકસ્પદો વિરુદ્ધ FIR દાખલ કરી છે.



ગેરકાયદેસર ટિકિટના વેચાણ મામલે EDના દરોડા

EDએ મની લોન્ડરિંગ હેઠળ આ મામલે તપાસ હાથ ધરી છે. 25 ઓક્ટોબરના રોજ 5 રાજ્યો દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગલુરુ અને ચંદીગઢમાં 13 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, સીમકાર્ડ જેવી ઘણી વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ટિકિટોની કાળાબજારી અને આ કૌભાંડમાં સામેલ નાણાકીય નેટવર્કની તપાસ કરવાનો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી કમાયેલા ગુનાની આવકને શોધી કાઢવાનો છે. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને નકલી ટિકિટ વેચવામાં આવી રહી હતી.

ફેડરલ એજન્સીએ કહ્યું કે, ટિકિટ સામાન્ય રીતે Zomato, BookMyShow અને અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. પરંતુ જ્યારે માગ વધારે હોય છે, ત્યારે આ ટિકિટો ઝડપથી વેચાઈ જાય છે, જેના કારણે લોકોને વૈકલ્પિક સ્ત્રોતોની તલાશ કરવી પડે છે. EDએ એક નિવેદનમાં કહ્યું કે, ED દ્વારા પાડવામાં આવેલા દરોડા અને તપાસમાં એવા ઘણા લોકોની જાણ થઈ છે જેઓ ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા દ્વારા આવી ટિકિટો પ્રદાન કરવા માટે જાણીતા છે. તેમાં નકલી ટિકિટો પણ સામેલ છે. તેમાં જણાવવામાં આવ્યું કે, ટિકિટ વેચાણ કૌભાંડમાં વપરાયેલ મોબાઇલ ફોન, લેપટોપ, સિમ કાર્ડ વગેરે જેવી ઘણી સામગ્રી જપ્ત કરવામાં આવી છે જે ક્રાઈમને સાબિત કરે છે.


Google NewsGoogle News