એનિમલના નિર્માતાઓ વચ્ચે તકરાર થતાં ઓટીટી રીલીઝ પર ગ્રહણ
- ટી સીરીઝે આવકના આંકડા છૂપાવ્યાનો આરોપ
- ઓટીટી રીલીઝ પર સ્ટેની માગણી સાથે સિને વન કંપની દિલ્હી હાઈકોર્ટમાં
મુંબઇ : રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ના નિર્માતાઓ પ્રોફિટ શેરિંગ સહિતના મામલે સામસામે આવી જતાં ફિલ્મની ઓટીટી રીલીઝ પર ગ્રહણ લાગી ગયું છે.
ફિલ્મની સહ નિર્માતા કંપની સિને વન સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ એ ટી સીરીઝ ફિલ્મ્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં દાવો માંડયો છે. તેમાં દલીલ કરાઈ છે કે ટી સીરીઝ દ્વારા ફિલ્મની આવકના આંકડા છૂપાવાયા છે. બંને વચ્ચે ૩૫ ટકા પ્રોફિટ શેરિંગના કરાર થયા હતા પરંતુ તેનો અમલ થયો નથી. ફિલ્મના પ્રમોશન તથા અન્ય મટિરિયલમાં પણ સહ નિર્માતાને ક્રેડિટ આપવામાં આવી નથી. ફિલ્મની બોક્સ ઓફિસ આવક ઉપરાંત સેટેલાઈટ રાઈટ્સના વેચાણ, ઓટીટી રાઈટ્સના વેચાણ, મ્યુઝિક રાઈટ્સ વગેરેની વિગતો પણ છૂપાવવામાં આવી છે. જ્યાં સુધી આ દાવાનો નિકાલ ન આવે ત્યાં સુધી ફિલ્મને ઓટીટી પર રીલીઝ કરવાની પરવાનગી ન આપવામાં આવે તેવી દાદ તેણે માગી છે.
જોકે, ટી સીરીઝની દલીલ અનુસાર હજુ તો ફિલ્મની રીલીઝને દોઢ મહિનો જ થયો છે અને પ્રસ્થાપિત પ્રણાલી અનુસાર ફિલ્મ રીલીઝના ૬૦ દિવસ પછી તમામ સ્ટેટમેન્ટ અપાશે. ટી સીરીઝના દાવા અનુસાર તેમણે સિને વનને ૨.૬ કરોડ રુપિયા અત્યાર સુધીમાં ચુકવ્યા છે પરંતુ તેમણે આ વાત કોર્ટ સમક્ષ છૂપાવી છે.
અદાલતે આ મુદ્દે તા. ૧૮મીએ વધુ સુનાવણી યોજી છે.