ડંકી vs સાલાર : બૉક્સ ઑફિસનું વૉર કોર્પોરેટ સુધી પહોંચ્યું, ડાયરેક્ટર થિયેટર ભરવા ખરીદે છે જથ્થાબંધ ટિકિટો
અહેવાલો મુજબ ફિલ્મ રસિયાઓની પહેલી પસંદ સાલાર છે બીજી તરફ રિલીઝ બાદ ડંકીનો ક્રેઝ વધે તેમ લાગી રહ્યું છે
સાલાર ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ, આડિયો સહિતના અન્ય રાઇટ્સ વેચીને રિલીઝ પહેલાં જ ૩૫૦ કરોડ રૂપિયાની અધધ કમાણી કરી ચુકી છે
બૉલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જ્યારે બાહુબલીથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર એક દિવસ બાદ એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. પણ આ બંને ફિલ્મોની બોક્સ આફિસ પરની લડાઈ હવે કોર્પોરેટ વૉરમાં બદલાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ક્રિસમસની રજાઓ દરમિયાન બાક્સ આફિસ પર ટંકશાળ પાડતા બે દિગ્ગજ અભિનેતાઓ શાહરુખ ખાનની ડંકી અને પ્રભાસની ફિલ્મ સાલાર અનુક્રમે 21 અને 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ તાજેતરમાં શરૂ થવાની સાથે પરદા પાછળ જાણે કૉલ્ડ વૉર શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, ફિલ્મ રસિયાઓની પહેલી પસંદ સાલાર છે કારણ, સાલારના દેશભરના 6439 શોની 5,77,406 ટિકિટોના વેચાણ સાથે 12.67 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. જ્યારે ડંકીના 12,608 શોની અત્યાર સુધીમાં 3,60,508 ટિકિટોનું વેચાણ થયું છે અને ફિલ્મે 10.26 કરોડ રૂપિયાનો ધંધો કર્યો. જોકે ટ્રેડ એનાલિસ્ટોના જણાવ્યા મુજબ મંગળવાર બાદ ડંકીની ટિકિટોનું વેચાણ સાલાર કરતા વધું રહ્યું હતું.
શાહરુખ ખાને 2023માં ઉપરાઉપરી બે સુપરડુપર હિટ ફિલ્મો પઠાન અને જવાન આપી છે. આ બંને ફિલ્મોએ એક હજાર કરોડ રૂપિયા કરતા વધુનો ધંધો કર્યો છે. એટલ સ્વાભાવિક છે કે શાહરુખ હિટની હેટ-ટ્રિક મારવા થનગની રહ્યો છે. મળતા અહવાલો મુજબ ડંકી જોવા મહારાષ્ટ્રના દર્શકો સૌથી વધુ ઉત્સાહિત હોય એવું લાગે છે. કારણ, પહેલા દિવસની કુલ કમાણીમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧.૮૧ કરોડ રૂપિયાનો છે. તો બીજા નંબરે (દિલ્હી (૧.૫૫ કરોડ રૂપિયા) અને પશ્ચિમ બંગાળ (૧.૨૨ કરોડ રૂપિયા) જેટલો છે. જોકે ટૂંક સમયમાં જાણી શકશે કે શાહરુખ હિટની હેટ-ટ્રિક લગાવશે કે નહીં.
સ્ક્રીન્સ માટેની લડાઈ કોર્પોરેટ વૉર સુધી પહોંચી હોય એવું લાગે છે
દરમિયાન, ઇન્ડસ્ટ્રીમાં ચલી રહેલી ચર્ચા મુજબ ડંકીની ટીમે ફિલ્મના વિતરકોને જણાવ્યું કે તેઓ સાલાર સાથે સ્ક્રીન્સ શેર કરવા માગતા નથી અને ચારેય શોમાં ડંકી દર્શાવવામાં આવે એવું ઇચ્છે છે. જો તેઓ ચાર શો આપી શકે એમ ન હોય તો એક પણ શો નથી જોઇતો. આને કારણે સાલાર અને ડંકીના બૉક્સ ઑફિસ પરના મુકાબલા પહેલા સ્ક્રીન્સ પર કબજો જમાવવાની લડત હવે કોર્પોરેટ વૉરમાં ફેરવાઈ હોય એવું લાગી રહ્યું છે. અગાઉ પીવીઆર-આઈનોક્સ અને મિરાજના માલિકોએ બંને ફિલ્મોને એક સરખા સ્ક્રીન્સ આપવાની વાત કરી હતી. પરંતુ ઉત્તર ભારતમાં તેમણે ડંકીને વધુ સ્ક્રીન્સ ફાળવ્યા.
થિયેટર ચેઇનના આવા વલણને કારણે સાલારના સર્જકોએ દક્ષિણ ભારતમાં આ બંને થિયેટર ચેઇનના થિયેટરોમાં ફિલ્મ ન દર્શાવવાનું નક્કી કર્યું. રિલીઝ પહેલાં આ મામલે કોઈ નીવેડો નહીં આવે તો દક્ષિણ ભારતમાં પીવીઆર-આઈનોક્સ અને મિરાજના થિયેટરોમાં સાલાર જોવા નહીં મળે. એટલું જ નહીં આને કારણે ફરી ઉત્તર-દક્ષિણનો વિવાદ ચગે એવી શક્યતા છે. જોકે ટ્રેડ પંડિતોનું માનવું છે કે ઉત્તર ભારતમાં ડંકી અને દક્ષિણમાં સાલાર સારો દેખાવ કરી શકે છે. આ અંગે એવું કહેવાય છે કે, ડંકીની ટીમને જાણવા મળ્યું કે બંને થિયેટરોની ચેઇને સાલાર અને ડંકીન સમાન સ્ક્રીન્સ ફાળવવાનું નક્કી કર્યુ છે ત્યારે શાહરુખે પીવીઆરના માલિક અજય બિજલીને કૉલ કર્યો. તેમની વચ્ચે થયેલી સમજૂતિ મુજબ ઉત્તરમાં સિંગલ સ્ક્રીનમાં માત્ર ડંકી દર્શાવવામાં આવશે. આ વાતની જાણ થતાં સાલારના નિર્માતાએ આકરો નિર્ણય લેવો પડયો.
કોર્પોરેટ બુકિંગને કારણે સાચા આંકડા જાણી શકાતા નથી
છેલ્લા થોડા સમયથી બૉલિવુડમાં કોર્પોરેટ બુકિંગનું ચલણ વધ્યું હોય એવું લાગી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટોના જણાવ્યા મુજબ જૂના જમાનામાં ફિલ્મ સિલ્વર જ્યુબિલી ઉજવે એ માટે નિર્માતા થિયેટર ભરવા જથ્થાબંધ ટિકિટો ખરીદતા. આને કારણે થિયેટર સુધી દર્શકો મોકલવા માટેનો નવો ધંધો શરૂ થયો. આવા એજન્ટને એક ટિકિટ દીઠ ચોક્કસ રકમ ચુકવવામાં આવતી હતી. હવે આ જથ્થાબંધ ટિકિટ ખરીદીને કોર્પોરેટ બુકિંગનું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. આને કારણે એવું બને છે કે થિયેટર બહાર હાઉસફુલનું પાટિયું લટકતું હોય પણ અંદર થિયેટર ખાલી જોવા મળે.
ડિજિટલ અને રાઇટ્સની કમાણી
સૂત્રના જણાવ્યા મુજબ સાલારના તમામ ભાષાઓના સેટેલાઇટ રાઇટ્સ સ્ટાર ટીવીએ મેળવ્યા છે. જ્યારે ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સે લીધા છે. સાલારે ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ, આડિયો સહિતના અન્ય રાઇટ્સ વેચીને રિલીઝ પહેલાં જ ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. જ્યારે ડંકીના ડિજિટલ રાઇટ્સ જિયો સિનેમાં ૧૫૫ કરોડમાં મેળવ્યા છે. તો ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નેટફ્લિક્સે જવાનની હિન્દી આવૃત્તિ માટે આપેલી રકમ કરતા ડંકી માટે વધુ રકં ચુકવવામાં આવી છે.
સાઉથ બેલ્ટમાં સાલારની રિલીઝ અંગે હજી પણ ગુંચવણ
જાણકારોના મતે સાલારની રિલીઝ મુદ્દે સાઉથ ઈન્ડિયામાં હજી પણ ગુંચવણ અને નારાજગી ચાલી રહી છે. સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ મુદ્દે ડંકી અને સાલારની માર્કેટિંગ ટીમ વચ્ચે વિવાદ થયા બાદ સ્થિતિ વણસી હતી. પીવીઆર, આઈનોક્સ અને મીરાજ સાથે સિંગલ સ્ક્રીનમાં બંને ફિલ્મોને સમાન વહેંચણી ન મળતાં સાલારના મેકર્સ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે પોતાની ફિલ્મ આ થિયેટર્સમાં રિલીઝ નહીં કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ શાહરુખ ખાન ડંકીની સફળતા માટે જાતે જ મેદાને આવી ગયો હતો અને તેણે સાઉથ બેલ્ટમાં સિંગલ સ્ક્રીનમાં પોતાની ફિલ્મની 100 ટકા રજૂઆત માટે ડીલ કરી લીધી હતી.
એક તરફ મિત્રનું વચન પાળવા સંઘર્ષ અને બીજી તરફ મિત્રોને વિદેશ મોકલવા માટેની વ્યથા
સાલારની વાર્તાના કેન્દ્રમાં એક ગેંગ લીડર છે જે એના મિત્રના મૃત્યુ સમયે આપેલું વચન પાળવાનો પ્રયાસ કરે છે અને એ માટે એને અન્ય ગેંગ સાથ પણ બાથ ભીડવી પડે છે. સાઉથની સુપરહિટ ફ્રેન્ચાઈઝી કેજીએફના દિગ્દર્શક પ્રશાંત નીલના દિગ્દર્શનમાં બનેલી સાલારના કલાકારો છે પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ, ટીનુ આનંદ, બાબી સિંહા, ઇશ્વરી રાવ, મીનાક્ષી ચૌધરી અને શ્રુતિ હસન.
જ્યારે ડંકીની વાર્તા ડોન્કી ફ્લાઇટ (કબૂતરબાજી)ના કન્સેપ્ટ પર આધારિત છે. અમેરિકા, બ્રિટન અને કેનેડામા ગેરકાયદે પ્રવેશ કરનારાઓની વાત આલેખવામાં આવી છે. ડંકીનો વિષય એવા ભારતીયોની જીવની છે જેઓ ગેરકાયદે આવા દેશોમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. આ લોકોને માદરે વતન પાછા આવવા માટે કેવી તકલીફોનો સામનો કરવો પડે છે એની વાત દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ રમૂજી શૈલીમાં દર્શાવી છે. ફિલ્મના કલાકારો છે શાહરુખ ખાન, તાપસી પન્નુ, બોમન ઇરાની, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર.
'સાલાર'એ પહેલા જ દિવસે તોડ્યો 'જવાન'નો રેકોર્ડ
પ્રભાસની મચ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ 'સાલાર: પાર્ટ-1 સીઝફાયર' 22 ડિસેમ્બર શુક્રવારે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મનો શાહરૂખ ખાનની ડંકીની સાથે મોટો ક્લેશ થયો છે. જોકે બંને જ ફિલ્મોનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે પરંતુ કમાણીના મામલે સાલારે આવતા જ ડંકીની બેન્ડ બજાવી દીધી છે. પ્રભાસની ફિલ્મના એડવાન્સ બુકિંગનું કલેક્શન (લગભગ 50 કરોડ) જ ડંકીના ઓપનિંગ ડે (30 કરોડ) ની કમાણીથી ખૂબ વધુ છે. સાલારે શાહરૂખ ખાનની વર્ષની સૌથી મોટી ફિલ્મ જવાનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
શાહરુખ ખાનની લોકચાહના ચરમસીમાએ
ફિલ્મ ક્ષેત્રના સૂત્રોના મતે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રભાસની સામે શાહરુખ ખાનનો ચાહકવર્ગ ખૂબ જ મોટો છે. તેમાંય ગલ્ફ કન્ટ્રીમાં તો શાહરુખને વિશેષ પ્રેમ આપવામાં આવે છે. આ વખતે ડંકીના પ્રમોશન માટે દુબઈ દ્વારા તમામ સીમાઓ પાર કરી દેવામાં આવી હતી. મોટાભાગે શાહરુની ફિલ્મોનો પ્રચાર દુબઈમાં બુર્જ ખલિફા ઉપર કરવામાં આવતો હોય છે પણ આ વખતે તો દુબઈના તંત્ર દ્વારા વિશેષ ડ્રોન શો રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ફિલ્મનું ટાઈટલ બતાવવા ઉપરાંત શાહરુખ ખાનનો રોમેન્ટિક પોઝ પણ ડ્રોનની કરામત દ્વારા બનાવવામાં આવ્યો હતો. બીજી તરફ ભારતના હાપુડમાં શાહરુખના એક ફેન દ્વારા સમગ્ર થીયેટર બુક કરાવવામાં આવ્યું હતું. તેણે પોતાના મિત્રો, પરિવારજનો અને અન્ય લોકોને ટિકિટો ભેટમાં આપી હતી અને ફિલ્મનો પહેલો શો બતાવ્યો હતો. તેણે લોકોને મીઠાઈ વહેંચી હતી તથા શાહરુખના પોસ્ટરને દૂધથી નવડાવ્યું હતું.
સ્ટારને ફિલ્મની રિલીઝ અને વકરાની ચિંતા હોય છે
જાણકારોના મતે દરેક સ્ટારને પોતાની ફિલ્મની રિલીઝ અને તેના બોક્સ ઓફિસ કલેક્શન અંગે ચિંતા રહેતી જ હોય છે. રાજ કપૂર હોય કે, અમિતાભ બચ્ચન કે પછી રાજેશ ખન્ના હોય કે દિલીપ કુમાર, રેખા, હેમા માલિની, માધુરી દિક્ષિત કે પછી દીપિકા પાદુકોણ તેઓ ફિલ્મોમાં પોતાના પ્રદર્શન અને ફિલ્મના વકરા અંગે જાત તપાસ કરતા જ હોય છે. વર્તમાન સમયમાં તો કલાકારો જાતે જ મેદાનમાં ઉતરીને વેશપલટો કરીને થિયેટર્સમાં જતા હોવાની વાતો પણ આવી રહી છે. ઘણા સ્ટાર્સ દ્વારા પોતાના અભિનય, ફિલ્મની સ્ટોરી, દર્શકોની લાગણી અને માગણી તથા દર્શકોના ઉત્સાહ અને સંતોષને જાણવા માટે ઉત્સુક હોય છે. તેઓ થિયેટર્સની મુલાકાત લેતા હોય છે. ઘણી વખત પોતાની સ્ટાર વેલ્યૂના આધારે માર્કેટિંગ ટેક્ટિક્ટ પણ વાપરતા હોય છે. જ્યાં સુધી એક અઠવાડિયાની ફિલ્મની કમાણી અને તેમના અભિનય વિશે દર્શકોના રિવ્યૂ ન આવે ત્યાં સુધી તેમની ઉંઘ હરામ રહેતી હોય છે. આ વખતે ડંકી અને સાલારના સંઘર્ષમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. શાહરુખ ખાન અને પ્રભાસની ફિલ્મોની ટક્કરમાં બંને સુપરસ્ટારની ઉંઘ હરામ થઈ ગઈ છે. પોતાની ફિલ્મને સફળતા માટે બંને મથી રહ્યા છે.
રાજામૌલીએ સાલારની પહેલી ટિકિટ ખરીદી હતી
સાઉથ ઈન્ડિયાની વાત કરીએ તો ત્યાં પ્રભાસનું મોટું વર્ચસ્વ છે. તેમાંય બાહુબલી ફિલ્મ બાદ તે સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો હતો. તેનું ફેન ફોલોઈંગ પણ મોટાપાયે વધ્યું હતું. પ્રભાસની સાલાર જ્યારે શાહરુખની ડંકી સાથે ટકરાઈ રહી છે ત્યારે તેમાં પ્રમોશન અંગે એક મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. બાહબુલીના ડાયરેક્ટર એસ. રાજામૌલી દ્વારા પોતાના ફેવરિટ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારની પહેલી ટિકિટ ખરીદવામાં આવી હતી. આ મુદ્દે મેકર્સ જણાવ્યું હતું કે, સૌથી મોટા ફિલ્મ મેકર રાજામૌલી દ્વારા સાઉથના સૌથી મોટા એક્શન ફિલ્મ મેકર પ્રશાંત નીલની ફિલ્મની ટિકિટ ખરીદવામાં આવી તે મોટો માઈલસ્ટોન સાબિત થશે. લોકોને સાલાર પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે.