ફહાદ ફાસિલની આડોડાઈના કારણે પુષ્પા ટૂ વધુ ઠેલાવાની શંકા
- શૂટિંગ માટે તારીખો આપતો જ નથી
- ફહાદે પોતાની બે ફિલ્મોની તારીખ બદલી હતી પણ પુષ્પા મુલત્વી રહેતાં તે નારાજ છે
મુંબઈ: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા ટૂ'ની રીલિઝ ડેટ ૧૫મી ઓગસ્ટથી પાછળ ઠેલાઈને આગામી ડિસેમ્બરની થઈ છે પરંતુ હવે તે વધુ પાછી ઠેલાય તેવી આશંકા છે. ફિલ્મનો એક મુખ્ય કલાકાર ફહાદ ફાસિલ શૂટિગ માટે તારીખો આપવામાં ધાંધિયા કરી રહ્યો હોવાથી શિડયૂલ ખોરવાઈ ગયું છે. 'પુષ્પા'ના પહેલા ભાગમાં ફહાદ ફાસિલની એન્ટ્રી છેક છેલ્લે થાય છે. જોકે, બીજા ભાગમાં તેનો વધુ મહત્વનો રોલ છે. ફહાદે અગાઉ 'પુષ્પા ટૂ' ખાતર થઈને પોતાની બે મલયાલમ ફિલ્મો મુલત્વી રાખી દીધી હતી. પરંતુ તે દરમિયાન હવે 'પુષ્પા ટૂ'ની જ તારીખ બદલાતાં તે ભારે નારાજ થઈ ગયો છે. હવે તે 'પુષ્પા ટૂ'ના સર્જકોને માગ્યા મુજબની તારીખો આપવા તૈયાર નથી.
આગાઉ બીજા ભાગનું ઘણું બધું શૂટિંગ થઈ ગયા બાદ સર્જકોને તેનાથી સંતોષ થયો ન હતો. આથી તેમણે તે શૂટિંગ રદ કર્યું હતું અને કેટલાક સીન્સ નવેસરથી શૂટ કર્યા હતા. તેના કારણે ફિલ્મમાં વિલંબ થયો હતો. આ ઉપરાંત તાજેતરમાં અલ્લુ અર્જુન પોતાનો લૂક બદલીને વિદેશ જતો રહેતાં એવી અફવા ફેલાઈ હતી કે તે સર્જકોથી નારાજ છે અને તેથી જ લૂક બદલીને વિદેશ જતો રહ્યો છે અને તેથી આ ફિલ્મ વધારે પાછી ઠેલાશે.