અક્ષય પર આફત, જોલી એલએલબી થ્રી પ્રભાસની ફિલ્મ સાથે ટકરાશે
- પ્રભાસની રાજાસાબની રીલિઝ પણ આવતા એપ્રિલમાં
- ઉપરાછાપરી ફલોપ ફિલ્મોના ફટકા સહન કરી રહેલા અક્ષયને હિટ જોલી ફ્રેન્ચાઈઝી પર મોટી આશા
મુંબઈ: અક્ષય કુમારના ગ્રહ વાંકા ને વાંકા ચાલી રહ્યા હોય તેમ તેની 'જોલી એલએલબી થ્રી'નો મુકાબલો પણ હવે પ્રભાસની 'રાજા સાબ' સામે થવાનું નક્કી થઈ ગયું છે. આ સંજોગમાં અક્ષયની ફિલ્મને બોક્સ ઓફિસ પર ફટકો સહન કરવો પડી શકે છે.
પ્રભાસની 'રાજા સાબ' પણ આવતાં વર્ષના એપ્રિલની ૧૦મી તારીખે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. તે જ દિવસે અક્ષય કુમાર અને અર્શદ વરસીની 'જોલી એલએલબી થ્રી' રીલિઝ થવાની છે. અક્ષયને આ ફિલ્મ માટે બહુ આશા છે. આ ફ્રેન્ચાઈઝીના પહેલા બંને ભાગ હિટ રહ્યા છે. પહેલા ભાગમાં અર્શદ વરસી હિરો હતો. તેની સફળતા બાદ અક્ષયે આ ફ્રેન્ચાઈઝી પચાવી પાડી હતી અને પોતે બીજા ભાગમાં હિરો તરીકે ગોઠવાઈ ગયો હતો. હવે ત્રીજા ભાગમાં તે અને અર્શદ વરસી બંને ભૂમિકા ભજવી રહ્યા છે. અક્ષયની પાછલી મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ થઈ ગઈ છે. તેની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં ' પણ તા. ૧૫મી ઓગસ્ટે 'સ્ત્રી ટૂ' જેવી હિટ ફ્રેન્ચાઈઝી સામે ટકરાવાની છે.