નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર કુમાર સાહનીનું 83 વર્ષની વયે નિધન, ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા
કુમાર સાહનીને ફિલ્મ 'માયા દર્પણ' માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો
Filmmaker Kumar Shahani Passes Away: મનોરંજન જગતમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર કુમાર સાહનીનું 25 ફેબ્રુઆરી 2024ના રોજ 83 વર્ષની વયે નિધન થયું. અહેવાલ અનુસાર, કોલકાતાના ઢાકુરિયામાં એએમઆરઆઈ હોસ્પિટલમાં કુમાર સાહનીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ‘માયા દર્પણ’, ‘તરંગ’, ‘ખ્યાલ ગાથા’ અને ‘કસ્બા’ જેવી ફિલ્મો દ્વારા ફિલ્મજગતમાં આગવી ઓળખ મેળવી હતી.
કોણ હતા કુમાર સાહની?
જાણીતા દિગ્દર્શક કુમાર સાહનીએ હિન્દી સિનેમામાં ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમનો જન્મ સાતમી ડિસેમ્બર 1940ના રોજ પાકિસ્તાનના સિંધમાં થયો હતો. ભાગલા પછી તેઓ મુંબઈ આવીને વસ્યા હતા. ફિલ્મ સમીક્ષકોએ તેમની તુલના ઈટાલિયન ફિલ્મમેકર પિયર પાઓલો પાસોલિની, રશિયન ફિલ્મમેકર આન્દ્રેઈ તાર્કોવસ્કી અને ફ્રેન્ચ ફિલ્મમેકર જેક્સ રિવેટ સાથે કરતા હતા. 1991માં ગુરુ કેલુચરન મહારાપાત્રાની ઓડિયા ભાષાની દસ્તાવેજી ફિલ્મ ‘ભાવનાતરાના’ માટે બેસ્ટ બાયોગ્રાફિકલ ફિલ્મ કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનું રૂપાંતરણ
કુમાર સાહનીએ સંગીત અને ડાન્સ વિશેની તેમની બે ફિલ્મો 'ખ્યાલ ગાથા' (1989) અને 'ભાવનાતરાના' (1991)માં બનાવી હતી. ‘ખ્યાલ ગાથા’માં તેમણે વિચારોની શૈલી વિશે ઐતિહાસિક અને આધુનિક વાર્તાઓની સરખામણી કરી હતી. વર્ષ 1997માં કુમાર સાહનીની ફિલ્મ 'ચાર અધ્યાય' રિલીઝ થઈ હતી, જે રવીન્દ્રનાથ ટાગોરની 1934ની નવલકથા પર આધારિત હતી.
કુમાર સાહનીને ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યા
કુમાર સાહનીએ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)માંથી અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન પણ તે શિક્ષકોના પ્રિય હતા. કુમારને ફિલ્મ ‘માયા દર્પણ’ માટે બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. નેશનલ એવોર્ડ ઉપરાંત કુમાર સાહનીને ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. નોંધનીય છે કે, કુમારે વર્ષ 2004માં ફિલ્મો છોડી દીધી હતી અને ત્યાર બાદ તેમણે લખવાનું અને વાંચવાનું શરૂ કર્યું હતું.