1983ની વિશ્વ ચેમ્પિયન ટીમમાં સામેલ આ ક્રિકેટરનુ કેરિયર દિલિપકુમારે બનાવ્યુ હતુ
નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021
દિલિપ કુમારને તેમના જીવનકાળમાં સંખ્યાબંધ લોકોને મદદ કરી હતી.જેમાં પૂર્વ ક્રિકેટર અને 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય યશપાલ શર્માનો પણ સમાવેશ થતો હતો.
શર્મા પોતે ઘણી વખત કહી ચુકયા છે કે, કેવી રીતે દિલિપ કુમારે તેમનુ કેરિયર આગળ ધપાવવામાં મદદ કરી હતી.યશપાલ શર્માએ કહ્યુ હતુ કે, હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી એક જ એકટર મારો ફેવરિટ રહેશે .તમે તેમને દિલિપ કુમાર કહો છો અને હું યુસુફ ભાઈ કહું છું.ક્રિકેટરમાં મારી કેરિયર બનાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે યુસુફ ભાઈ છે.
તેમણે કહ્યુ હતુ કે, હું પંજાબ તરફથી રણજી ટ્રોફીની મેચ રમી રહ્યો હતો.દિલિપ કુમાર આ મેચ જોવા માટે આવ્યા હતા.મારી બેટિંગ પુરુ થઈ પછી કોઈએ આવીને મને સંદેશો આપ્યો હતો કે, કોઈ તમને મળવા માંગે છે.મેં જઈને જોયુ તો દિલિપ કુમાર હતા.દિલિપ કુમારે મને કહ્યુ હતુ કે તુ બહુ સારુ રમે છે અને મેં તારા માટે ક્રિકેટ બોર્ડમાં કોઈને વાત કરી છે.તે વખતે તેમણે રાજસિંહ ડુંગરપુરેને વાત કરી હતી.એ પછી યશપાલ શર્માને ભારતીય ટીમમાં જગ્યા મળી હતી.
1983ના વર્લ્ડકપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે વિજય મેળવીને શરુઆત કરી હતી.આ મેચમાં યશપાલ શર્મા હીરો હતા.તેમણે 120 બોલ પર 89 રનની બેટિંગ કરી હતી.એ પછી ઓસ્ટ્રેલિયા સામે પણ 40 રનની આક્રમક ઈનિંગ રમી હતી.ઈંગ્લેન્ડ સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં 61 રનની યાદગાર ઈનિંગ પણ તેમણે રમી હતી.વર્લ્ડકપમાં યશપાલ શર્માએ 34.28ના એવરેજથી 240 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે 1983માં વર્લ્ડકપ જીતીને ક્રિકેટ વિશ્વમાં પોતાની ઉપસ્થિતિ પહેલી વખત મજબૂત રીતે નોંધાવી હતી.