Fact Check: લગ્નના 33 વર્ષ બાદ શાહરૂખ ખાને ગૌરી ખાનને ઈસ્લામ કબૂલ કરાવ્યો? શું છે મક્કાની વાઇરલ તસવીરનું સત્ય
Shah Rukh Khan Viral Picture Of Mecca : શાહરૂખ ખાન અને ગૌરીની ગણના બોલિવૂડના આદર્શ યુગલ તરીકેની થાય છે. ગૌરી પંજાબી હિન્દુ છે અને એનું નામ ગૌરી છિબ્બર છે. બંનેના લગ્ન 1991 થયા હતા. પ્રેમ, આદર અને સમજણ પર બનેલો તેમનો સંબંધ સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. બંનેના ધર્મ અલગ-અલગ હોવા છતાં તેમના અંગત જીવનમાં ધાર્મિક મતભેદ ઉદ્ભવ્યો હોય એવું ક્યારેય જાણવામાં નથી આવ્યું. જોકે, તાજેતરમાં તેમની અમુક તસવીરો વાઇરલ થઈ છે, જેને લીધે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
શું છે વાઇરલ તસવીરોમાં?
વાઇરલ થયેલી તસવીરો પૈકીની એકમાં શાહરૂખ ખાન અને ગૌરી એકમેકને સ્પર્શીને ઊભેલા દેખાય છે અને એમના બેકગ્રાઉન્ડમાં મક્કાનું પવિત્ર કાબા દેખાય છે. બીજી તસવીરમાં બંને એકબીજાની સામે ઊભેલા છે અને એમની સાથે એમનો દીકરો આર્યન ખાન પણ દેખાય છે. એ તસવીરના બેકગ્રાઉન્ડમાં એક મસ્જિદ દેખાય છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગઈ છે.
સર્જાયો આવો વિવાદ
બંને તસવીરોમાં ગૌરી હિજાબ પહેરેલી દેખાતી હોવાથી લોકોએ એવી ચર્ચા શરૂ કરી દીધી છે કે શાહરૂખ ખાને ગૌરીનું ધર્મ પરિવર્તન કરાવીને એને મુસ્લિમ બનાવી દીધી છે. આ કામ માટે તે ગૌરીને મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ ગણાતા સાઉદી અરેબિયામાં આવેલા મક્કા લઈ ગયો હતો. આ મુદ્દે જામેલી ચર્ચામાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ આ મુદ્દાને સાચો માની રહ્યો છે તો બીજો વર્ગ આ તસવીરો બનાવટી હોવાનું કહી રહ્યો છે.
આ પણ વાંચો: હું જ કેબિનેટ છું... કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ
શું છે વાઇરલ તસવીરનું સત્ય?
વાઇરલ થયેલી તસવીરો વાસ્તવિક નથી. આ તસવીરો AI દ્વારા બનાવવામાં આવી છે. ફક્ત વિવાદ ઊભો કરવા માટે જ કોઈ ભેજાબાજે આવું ગતકડું કર્યું છે. ગૌરી ખાને ધર્મ નથી બદલ્યો.
અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે
આ કંઈ પહેલીવારનું નથી કે જ્યારે કોઈ સેલિબ્રિટીની નકલી તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતી કરીને વિવાદ સર્જવાનો પ્રયાસ થયો હોય. દીપિકા પાદુકોણ, કાજોલ, રશ્મિકા મંદાનાથી લઈને ટેલર સ્વિફ્ટ જેવી અનેક જાણીતી હસ્તીઓની બનાવટી તસવીરોએ ચર્ચા જગાવી છે, વિવાદ સર્જ્યા છે.
શાહરૂખ-ગૌરીનું આદર્શ બિનસાંપ્રદાયિક કુટુંબ
શાહરૂખ અને ગૌરીએ છ વર્ષના પ્રેમ-સંબંધ પછી 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે: આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. તેમના ઘરમાં એકદમ બિનસાંપ્રદાયિક વાતાવરણ જોવા મળે છે. તેઓ તમામ ધર્મના તહેવારો ઉજવે છે. ઘણા ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાન અને ગૌરીએ જણાવી ચૂક્યા છે કે તેઓ કેવી રીતે તેમના બાળકોમાં બિનસાંપ્રદાયિક કૌટુંબિક મૂલ્યોનું સિંચન કરે છે.