ધર્મેન્દ્ર -હેમાની દીકરી ઈશા દેઓલે આખરે છૂટાછેડાની જાહેરાત કરી
- કેટલાય સમયથી અટકળો બાદ સંયુક્ત નિવેદન
- 12 વર્ષનાં દામ્પત્યમાં બે સંતાનો પણ છે, ભરત તખ્તાનીનું અફેર કારણભૂત હોવાની ચર્ચા
મુંબઈ : ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલના આખરે છૂટાછેડા થઈ ગયા છે. ઈશા અને ભરત તખ્તાનીએ બંને છૂટાં પડી ગયાં હોવાની સંયુક્ત જાહેરાત કરી હતી. ૧૨ વર્ષ પહેલાં બંનેનાં લગ્ન થયાં હતાં. તેમેન બે સંતાનો પણ છે. છૂટાછેડાની જાહેરાતમાં તેમણે જાહેર કર્યું છે બંને સંતાનોની તેઓ સંપૂર્ણ કાળજી રાખશે.
ઈશા અને ભરત તખ્તાનીનું લગ્નજીવન ડામાડોળ બન્યું હોવાની અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. પાછલા કેટલાય મહિનાઓથી ઈશા દર વખતે એકલી અથવા તો તેની માતા હેમા માલિની સાથે જ દેખાતી હતી. થોડા સમય પહેલાં હેમા માલિનીએ પોતાનો જન્મદિન ધામધૂમથી મનાવ્યો ત્યારે ભરત તેમાં હાજર રહ્યો ન હતો. ખુદ ઈશાના જન્મદિનની ઉજવણીની તસવીરોમાં પણ ભરતની ગેરહાજરી વર્તાઈ હતી.થોડા સમય પહેલાં ઈશા દેઓલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભરતની તમામ તસવીરો ડિલીટ કરી દીધી હતી તે પછી તેઓ બંને છૂટાં પડી રહ્યાં હોવાની અટકળો વધારે વ્યાપક બની હતી.
બોલીવૂડ વર્તુળોમાં એવી ચર્ચા ચાલતી હતી કે ભરત તખ્તાનીનું અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે અને તેના કારણે બંનેનાં લગ્નજીવનમાં કડવાશ વ્યાપી છે.
ઈશા અને ભરતને છ વર્ષની રાધ્યા અને ચાર વર્ષની મિરાયા એમ બે દીકરીઓ છે. બંનેએ સંયુક્ત નિવેદનમાં જાહેર કર્યું છે તેઓ આ દીકરીઓની સંપૂર્ણ સંભાળ લેશે.
૨૦૧૨ની ૨૯મી જુન મુબઈમાં ઈસ્કોન ટેમ્પલ ખાતે એક સાદા સમારોહમાં તેમનાં લગ્ન થયાં હતાં. આ લગ્ન સમારોહમાં બહુ અંગત વ્યક્તિઓને જ આમંત્રણ અપાયું હતું.