Get The App

તૃપ્તિ અને સિદ્ધાંતની ધડક-ટુની રીલિઝ 21મી ફેબ્રુઆરી પર ઠેલાઈ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
તૃપ્તિ અને સિદ્ધાંતની ધડક-ટુની રીલિઝ 21મી ફેબ્રુઆરી પર ઠેલાઈ 1 - image


- આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની હતી

- ભૂલભૂલૈયા થ્રી અને સિંઘમ અગેઈનથી બચી તો હવે અજય દેવગણની  રેઈડ ટૂ સાથે ટકરાશે

મુંબઈ : તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની 'ધડક ટૂ' આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની હતી તેને બદલે હવે આગામી ૨૧મી ફેબ્રુઆરીએ રીલિઝ થશે. નવેમ્બરના પહેલાં સપ્તાહમાં 'ભૂલભૂલૈયા થ્રી' અને 'સિંઘમ અગેઈન' એ બે ફિલ્મો રીલિઝ થવાની છે. આ ફિલ્મો લાંબી ચાલે તો 'ધડક ટૂ'ની ટિકિટબારી પર તકોને માઠી અસર થઈ શકે તેમ હતી. આથી, નિર્માતા કરણ જોહરે આ નિર્ણય કર્યો છે. 

જોકે, હવે 'ધડક ટૂ'નો મુકાબલો હવે અજય દેવગણની 'રેઈડ ટૂ' સાથે થશે આમ, અજય દેવગણની એક ફિલ્મથી માઠી અસર ટાળવા જતાં તે અજય દેવગણની બીજી ફિલ્મ સાથે ટકરાઈ જશે. 

'ધડક ટૂ' પણ મૂળ તમિલ ફિલ્મ 'પેરિયુરમ પેરુમલ'ની રીમેક જ છે. આ પહેલાં ૨૦૧૮માં આવેલી જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક' પણ મૂળ મરાઠી 'સૈરાટ'ની જ રીમેક હતી. 

કરણ જોહરે 'ધડક' ફિલ્મને વધુ ગ્લેમરસ અને હળવી બનાવી દીધી હતી અને 'સૈરાટ'માં વર્ગસંઘર્ષ તથા ઓનર કિલિંગની વાત જે વેધકતાથી કહેવાઈ હતી તેવી અસર 'ધડક'માં આવી ન હતી. આ મુદ્દે કરણ જોહરની બહુ ટીકા થઈ હતી. તે પછી કરણ જોહરે દાવો કર્યો હતો કે 'ધડક ટૂ'માં તે મૂળ તમિલ ફિલ્મની સ્ટોરી અને ટ્રીટમેન્ટને જ વળગી રહેશે અને તેને જરાપણ મંદ નહીં બનાવે. 

તૃપ્તિ માટે હાલ કેરિયરનો મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે. 'એનિમલ'થી શરુ થયેલો તેનો સફળતાનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. હાલ તેની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' થિયેટર્સમાં આલિયા ભટ્ટની 'જિગરા' કરતાં પણ સારો દેખાવ કરી રહી છે. હવે નવેમ્બરમાં તેની કાર્તિક આર્યન સાથેની 'ભૂલભૂલૈયા થ્રી' રીલિઝ થવાની છે. 


Google NewsGoogle News