દેવ આનંદનો જૂહુ સ્થિત બંગલો વેચાઈ ગયો હોવાની વાતને તેમના પરિવારજનોએ અફવા ગણાવી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
દેવ આનંદનો જૂહુ સ્થિત બંગલો વેચાઈ ગયો હોવાની વાતને તેમના પરિવારજનોએ અફવા ગણાવી 1 - image


                                                          Image Source: Facebook

મુંબઈ, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

એક જમાનાના મશહૂર કલાકાર દેવ આનંદ ભલે આજે દુનિયામાં નથી પરંતુ તેમના નામનો ઉલ્લેખ આજે પણ ખૂબ થાય છે. હવે તાજેતરમાં જ તેમના સાથે જોડાયેલી ચર્ચાએ જોર પકડ્યુ. તે એ કે તેમનું જુહૂ વાળુ ઘર તેમના પરિવારે મોટી કિંમતે વેચી દીધુ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ ઘરને 400 કરોડમાં વેચી દેવાયુ છે પરંતુ હવે આ દાવાને પોતે દેવ આનંદના પરિવારના સભ્યોએ ફગાવી દીધો છે.

દેવ આનંદના ભત્રીજાએ ઘર વેચવાની વાતને ફગાવી

દેવ આનંદના ભત્રીજા અને ફિલ્મ મેકર કેતન આનંદે આ સમાચારને ફગાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી વાતો પાયાવિહોણી છે અને ઘર વેચવામાં આવી રહ્યુ નથી. સમાચાર એ હતા કે 400 કરોડમાં દેવ આનંદના જૂહુ વાળા બંગલાને વેચી દેવાયો છે અને તેના સ્થાને ત્યાં 22 માળની ઈમારત બનાવવામાં આવશે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પરિવાર બંગલાની સારસંભાળ રાખી રહ્યા નથી અને તેથી બંગલાને વેચવાનો નિર્ણય લેવાયો છે પરંતુ આ સમાચારને હવે ફગાવી દેવાયા છે. 

73 વર્ષ જૂનો છે બંગલો

આ બંગલો 73 વર્ષ જૂનો છે. આ બંગલામાં દેવ આનંદે પોતાનું આખુ જીવન વિતાવી દીધુ. પત્ની કલ્પના કાર્તિક અને બાળકો સાથે દેવ આનંદે આ ઘરમાં 40 વર્ષ વિતાવ્યા અને ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. દેવ આનંદના બે બાળકો છે અને બંને મુંબઈની બહાર રહે છે. રિપોર્ટ અનુસાર પુત્ર યુએસમાં અને પુત્રી ઉટીમાં રહે છે.

2011માં દેવ આનંદનું નિધન થયુ હતુ

અભિનેતા દેવ આનંદે 3 ડિસેમ્બર 2011એ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લંડનમાં હતા અને હાર્ટ એટેક આવવાથી તેમનું મોત નીપજ્યુ. જે સમયે તેમને મૃત્યુ થયુ ત્યારે દેવાનંદ 88 વર્ષના હતા. 


Google NewsGoogle News