ધર્મેન્દ્રને દિલ્હીની કોર્ટે પાઠવ્યું સમન્સ, 'ગરમ ધરમ ઢાબા'ના નામે છેતરપિંડીનો છે કેસ
Dharmendra Dhaba Case: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં 'ગરમ ધરમ ધાબા' ફ્રેન્ચાઈઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ પાઠવવામાં આવ્યું છે, જેની સુનાવણી 20 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે.
ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝીમાં છેતરપિંડીનો આરોપ
આ મામલામાં દિલ્હીના વેપારી સુશીલ કુમારે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુશીલ કુમારનો આરોપ છે કે, મને ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે અભિનેતા અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી સુશીલ કુમારે જણાવ્યુ હતુ કે, 'એપ્રિલ 2018માં ધર્મેન્દ્ર સાથે જોડાયેલા અન્ય બે લોકોએ મને ઉત્તર પ્રદેશમાં NH24 અને NH9 પર ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઈઝી ખોલવાની ઓફર કરી હતી. આ બહાને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ પણ આપવામાં આવી અને કહ્યું કે કનોટ પ્લેસ, દિલ્હી અને મુરથલ, હરિયાણાની ફ્રેન્ચાઈઝીમાં આ ઢાબાનો બિઝનેસ એક મહિનામાં લગભગ 70 થી 80 લાખ રૂપિયાનો છે.'
જેને ધ્યાનમાં લઈને સુશીલ કુમારને વચન આપવામાં આવ્યું હતું કે 41 લાખ રૂપિયાના રોકાણના બદલામાં તેમને 7% નફો મળશે. તમામ મીટિંગો અને ચર્ચાઓ પછી, 22 સપ્ટેમ્બર 2018 ના રોજ એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વ્યવસાયની તમામ શરતો લખવામાં આવી હતી. સુશીલે ચેક દ્વારા રૂ. 18 લાખ ચૂકવ્યા હતા, જે બાદમાં આરોપીઓએ રોકડ કર્યા હતા અને ત્યારથી તેઓએ સુશીલ કુમારનો સંપર્ક કરવાનું અને તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હવે આ અંગે સુશીલ કુમારનું કહેવું છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
દિલ્હી કોર્ટે હાજર થવા આપ્યો આદેશ
ન્યાયાધીશે 5 ડિસેમ્બરે પસાર કરેલા સમન્સ ઓર્ડરમાં જણાવ્યું હતું કે, 'રેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપીઓએ ફરિયાદીને પોતાના ઇરાદાથી ઉશ્કેર્યો અને છેતરપિંડી કરી છે.'
પટિયાલા કોર્ટે આદેશ આપ્યો કે ધર્મેન્દ્ર સિંહ દેઓલ અને અન્ય બે આરોપીઓને છેતરપિંડીની કલમ 420, ષડયંત્રની કલમ 120B અને IPCના સમાન ગુનાની કલમ 34 હેઠળ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, આઈપીસીની કલમ 506 (ગુનાહિત ધમકી) અભિનેતા પર નહીં પરંતુ બાકીના બે આરોપીઓ પર લગાવવામાં આવી છે.