દીપિકાની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત 24મીએ ફરી રીલિઝ થશે
- મૂળ રીલિઝ વખતે દેશભરમાં ધમાલ થઈ હતી
- ફિલ્મ રીલિઝને સાત વર્ષ પૂરાં થતાં સંજય લીલા ભણશાળીનો રીરીલિઝનો નિર્ણય
મુંબઇ: દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની વિવાદાસ્પદ બનેલી ફિલ્મ 'પદ્માવત' ૨૪મીએ દેશનાં કેટલાંક થિયેટરોમાં ફરી રીલિઝ કરાશે. આ ફિલ્મને સાત વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે તેને રીરીલિઝ કરાઈ રહી છે. આ ફિલ્મ અગાઉ રીલિઝ થઈ ત્યારે તેમાં રાણી પદ્માવતીનાં ચિત્રણ બાબતે ભારે વિરોધ થયો હતો. સંખ્યાબંધ રાજ્યોમાં આ ફિલ્મ જ્યાં દર્શાવાઈ હતી ત્યાં તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ બની હતી. કેટલાંય રાજ્યોમાં તેના શો રદ કરવા પડયા હતા.
જોકે, આ ફિલ્મ દીપિકા, રણવીર તથા શાહિદ ત્રણેયની કેરિયરની મહત્વની ફિલ્મ ગણાઈ છે. ફિલ્મનું 'ઘુમર સોંગ' દીપિકાનાં ટોપ ગીતોમાં સ્થાન પામે છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, ટીવી શોઝ તથા સ્કૂલ અને કોલેજના ફંકશનમાં તથા લગ્ન સમારોહોમાં પણ યુવતીઓ આ ગીત રીક્રિએટ કરવા માટે ભારે ઉત્સાહી હોય છે.
હાલ સુપરહિટ ફિલ્મોને ફરી રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. થોડા દિવસો પહેલા દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની 'યે જવાની હૈ દીવાની' અને ઋતિક રોશનની 'કહો ના પ્યાર હૈ' ઉપરાંત મનોજ વાજપેયીને સ્ટાર બનાવનારી ફિલ્મ 'સત્યા' પણ રી રીલિઝ થઈ હતી.