રણબીર કપૂરની 'રામાયણ' પર ગુસ્સે થયા દીપિકા ચીખલિયા, કહ્યું- "આ ફિલ્મ બનવી જોઈતી ન હતી."

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
રણબીર કપૂરની 'રામાયણ' પર ગુસ્સે થયા દીપિકા ચીખલિયા, કહ્યું- "આ ફિલ્મ બનવી જોઈતી ન હતી." 1 - image


Deepika Chikhalia angry over Ranbir Kapoor's Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ માટે રણબીરે પોતાના લૂકની સાથે સાથે પોતાની લાઈફસ્ટાઈલ પણ બદલી છે. આ ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામાનંદ સાગરની 'રામાયણ'ની સીતા એટલે કે દીપિકા ચીખલિયા કહે છે કે આ ફિલ્મ ન બનવી જોઈએ.

દીપિકા ચીખલિયા એવા તમામ લોકોથી નિરાશ છે જેઓ રામાયણ બનાવી રહ્યા છે, તેમના મતે આવું ન કરવું જોઈએ. આ બાબતે અભિનેત્રીએ કહ્યું કે, "સાચું કહું તો, જે લોકો હવે રામાયણ બનાવી રહ્યા છે તેનાથી મને મોહભંગ થઈ ગયો છે. કારણ કે મને નથી લાગતું કે હવે રામાયણ બનાવવી જોઈએ. હવે લોકો તેને બનાવીને બરબાદ કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ રામાયણ બનાવવી જોઈએ. જ્યારે પણ તે બનાવવામાં આવે છે, ત્યારે તેમાં કેટલીક નવી વસ્તુ ઉમેરવામાં આવે છે. તે દરેક વખતે કંઈક નવું લાવવા અને બતાવવા માંગે છે. તેથી તેઓ તેના લૂક, તેના એન્ગલ અને તેની વાર્તામાં કંઈક નવું ઉમેરીએ દે છે."

'આદિપુરુષ' પર પણ કહી વાત 

દીપિકાએ ફિલ્મ 'આદિપુરુષ'નું ઉદાહરણ આપતા કહ્યું કે,  "આદિપુરુષમાં કૃતિ સેનનની સીતાની ભૂમિકાને જ જુઓ, નિર્માતાઓએ તેને ગુલાબી રંગની સાટિન સાડી આપી. સૈફ અલી ખાનને અલગ લુક આપવા માટે કંઈ પણ કરવામાં આવ્યું હતું. તે ક્રિએટિવ હતું, પરંતુ વિચારો કે તમે આવી ક્રિએટીવીટી કરીને રામાયણની સંપૂર્ણ અસરને નષ્ટ કરી રહ્યા છો."

ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ન થવી જોઈએ

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, "ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ન થવી જોઈએ. મને નથી લાગતું કે કોઈએ આ કરવું જોઈએ. તેને જેમ છે તેમ જ રાખવું વધુ સારું છે.  આ સિવાય બીજા પણ ઘણા વિષયો છે જેના પર ફિલ્મ બનાવી શકાય છે. દેશમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમના પર તમે ફિલ્મો બનાવી શકો છો. એવી ઘણી બાબતો છે જેના વિશે વાત કરી શકાય છે. એવા ઘણાં સેનાનીઓ છે જેમણે આપણને આઝાદી અપાવી, તેમના વિશે પણ વાત કરી શકાય છે. પણ લોકોએ રામાયણ પર જ કેમ કંઈ કરવાનું છે?"

રામાનંદ સાગરની 'રામાયણ' 1987માં દૂરદર્શન પર શરુ થઈ હતી

દીપિકાએ રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતાની ભૂમિકા ભજવી હતી. આ શો 1987માં દૂરદર્શન પર શરૂ થયો હતો. જે ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો. એ શોથી લોકો એટલા પ્રભાવિત હતા કે લોકો બૂટ-ચપ્પલ ઉતારીને પૂરી ભક્તિ સાથે એ જોતા હતા.

અંદાજે 835 કરોડના ખર્ચે બનશે નિતેશ તિવારીની 'રામાયણ'

નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મનું નામ ગોડ પાવર રહેશે. તેમંજ તેને બે ભાગમાં બનાવવામાં આવશે અને બંને ભાગનું શૂટિંગ એક સાથે થશે. 'રામાયણ'ના બંને ભાગનું શૂટિંગ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. આ ફિલ્મ 100 મિલિયન ડોલર એટલે કે અંદાજે 835 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે. જેમાંથી માત્ર ફિલ્મનો પહેલો ભાગ જ બનશે.  બીજા ભાગ પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે. 

રણબીર કપૂરની 'રામાયણ' પર ગુસ્સે થયા દીપિકા ચીખલિયા, કહ્યું- "આ ફિલ્મ બનવી જોઈતી ન હતી." 2 - image



Google NewsGoogle News