રણબીર, આલિયાની લવ એન્ડ વોરમાં દીપિકાનો પણ કેમિયો
- સંજય ભણશાળીએ દીપિકા માટે ખાસ રોલ શોધ્યો
- સોશિયલ મીડિયાના નખરેબાજ ઓરીને પણ ફિલ્મમાં ભૂમિકા મળી
મુંબઇ : રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં દીપિકા પદુકોણ પણ એક કેમિયોમાં દેખાશે. આ ઉપરાંત આ ફિલ્મમાં સોશિયલ મીડિયા પર પોતાની ચિત્રવિચિત્ર ચેષ્ટાઓ અને બોલીવૂડના યંગ સ્ટાર્સ સાથેની આત્મીય દોસ્તીના કારણે ચર્ચામાં રહેતા ઓરીને પણ એક નાનો રોલ અપાયો હોવાનું કહેવાય છે.
દીપિકા આ અગાઉ સંજય લીલા ભણશાળીની 'ગોલીયોં કી રાસલીલા, રામલીલા', 'બાજીરાવ મસ્તાની' તથા 'પદ્માવત' જેવી ફિલ્મો કરી ચૂકી છે. આથી, સંજય લીલા ભણશાળીએ પોતાની ફેવરિટ દીપિકા માટે અલાયદો રોલ લખાવ્યો હોવાનું કહેવાય છે.
અહેવાલો મુજબ ઓરી આ ફિલ્મમાં એક સમલૈંગિક રોલમાં નજર આવશે જે આલિયાનો સોથી નજીકનો મિત્ર હશે. આલિયા આ ફિલ્મમાં એક કેબરે ડાન્સરની ભૂમિકામાં જોવા મળવાની છે. જ્યારે રણબીર અને વિક્કી ભારતીય આર્મ ફોર્સેના ઓફિસરોના રોલમાં હશે.