58 વર્ષની વયે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતી શાહરુખ ખાન બોલ્યો, મને તો લાગતું હતું કે…
નયનતારાને 'જવાન'માં જોરદાર એક્ટિંગના કારણે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો
Dadasaheb Phalke Awards 2024 : દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકીના એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું ગઈકાલે મોડી સાંજે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, બોબી દેઓલ, નયનતારા, કરીના કપૂર ખાન, સુનીલ ગ્રોવર, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શાહિદ કપૂર, વિક્રાંત મેસી, એટલી કુમાર, રાની મુખર્જી સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ એવોર્ડ શોમાં શાહરૂખ ખાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.
નયનતારાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
શાહરૂખ ખાનને ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શાહરૂખ ખાન સિવાય નયનતારાએ પણ ફિલ્મ 'જવાન'માં જોરદાર એક્ટિંગ કરી હતી, જેના કારણે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મ જવાને ભારતમાં 604 કરોડથી વધુની કમાણી કરી
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે કમાણીના ઘણાં રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ બાદ શાહરૂખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ પણ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જવાને ભારતમાં 604 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 900 કરોડને વટાવી ગયું છે. હવે આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, જેને લઈને શાહરૂખ ખાન ઘણો ખુશ હતો.
બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ શાહરૂખે જ્યુરીનો આભાર માન્યો
દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ શાહરૂખ ખાને જ્યુરીનો આભાર માનતા કહ્યું, “જ્યુરીનો આભાર, જેમણે મને બેસ્ટ એક્ટરના એવોર્ડ માટે લાયક ગણ્યો. મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે અને એવું લાગતું હતું કે મને તે ફરીથી નહીં મળે. હું ખૂબ જ ખુશ છું અને મને એવોર્ડ્સ ગમે છે. હું થોડો લોભી છું અને આ ફિલ્મ માટે લોકોએ ઘણી મહેનત કરી છે.”
સેમ બહાદુર માટે વિકી કૌશલને મળ્યો બેસ્ટ એક્ટર (ક્રિટિક)નો એવોર્ડ
વિકી કૌશલને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ 2024માં ફિલ્મ 'સેમ બહાદુર'માં તેના અભિનય માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક)નો એવોર્ડ મળ્યો હતો. વિકીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ એવોર્ડ જીતવાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, “સેમ બહાદુરમાં મારા કામ માટે મને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ એવોર્ડ આપવા માટે દાદાસાહેબ ફાલકે એવોર્ડની જ્યુરીનો ખૂબ ખૂબ આભાર.' વિકીનો આ વીડિયો એવોર્ડ ફંક્શનમાં બતાવવામાં આવ્યો હતો કારણ કે કોઈ કારણસર તે એવોર્ડ શોમાં હાજર રહી શક્યો ન હતો.
એનિમલ માટે બોબીને મળ્યો એવોર્ડ
બોબી દેઓલને ફિલ્મ 'એનિમલ' માટે બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને 'એનિમલ' માટે બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.