ઈવેન્ટમાં સ્ક્રીન પર રશ્મિકા વિજયની પ્રાઈવેટ તસવીરો દેખાડાતાં ચકચાર
- અભિનેત્રી મૃણાલ ઠાકુર અવાચક થઈ ગઈ
- ફિલ્મ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં માલદિવની તસવીરો ચાલુ થઈ ગઈઃ ફેન્સ નારાજ
મુંબઇ : વિશાખાપટન્નમમાં 'હાય નાન્ના' ફિલ્મની એક પ્રી રીલીઝ ઈવેન્ટમાં ફિલ્મ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં પણ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની માલદિવના બીચની પ્રાઈવેટ તસવીરો સ્ક્રીન પર ચલાવી દેવાઈ હતી. અચાનક આ તસવીરો દેખાવાની શરુ થતાં ઈવેન્ટમાં ચકચાર મચી ગઈ હતી. ઈવેન્ટમાં હાજર અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ અચાનક આ તસવીરો શરુ થતાં સ્તબ્ધ બની ગઈ હતી.
રશ્મિકા અને વિજયે આ તસવીરો અલગ અલગ રીતે પોસ્ટ કરી હતી. પરંતુ, બંને એક જ સમયે એક જ રિસોર્ટમાં હોવાની વાત કન્ફર્મ થતાં તેમનાં અફેરની અફવાને વધારે સમર્થન મળ્યું હતું.
કોઈએ આ તસવીરોને એકસાથે જોડી દઈ તેને સ્ક્રીન પર ચલાવી દીધી હતી. આ તસવીરો જોઈ મૃણાલ ભોંઠી પડી ગઈ હતી. ઈવેન્ટની હોસ્ટે વાત વાળી લેવા માટે આ તસવીરો અંગે એક કેમેરામેન સાથે મસ્તીમજાક કરી તે આવી તસવીરો લઈ શકે કેમ તેવા સવાલો પૂછવા માંડયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમથી રશ્મિકા અને વિજયના ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો કે જો 'હાય નન્ના' ફિલ્મની પબ્લિસિટી ટીમે માત્ર સનસનાટી મચાવવા માટે આવું ગતકડું કર્યું હોય તો પણ બહુ ચિપ પબ્લિસિટી કહેવાય. કોઈના અંગત સંબંધોનો આ રીતે પ્રચાર માટે ઉપયોગ કરવો તે ખોટું છે.
ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયના સંબંધોની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. હજુ થોડા દિવસો પહેલાં જ રશ્મિકા અને વિજય એકસરખી વ્હાઈટ હુડીમાં ટ્વિનિંગ કરતાં જોવા મળ્યાં હતાં. રણબીર કપૂરે પણ એક ઈવેન્ટમાં રશ્મિકાનો રિયલ હિરો વિજય હોવાનું પેપર ફોડી નાખ્યું હતું.