પૂનમ પાંડેને મોતનો ઢોંગ કરવો ભારે પડ્યો, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
- એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
મુંબઈ, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર
2 ફેબ્રુઆરીના રોજ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડેના મોતના સમાચારે આખી ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી. આ સમાચાર સામે આવતા જ હાહાકાર મચી ગયો હતો. પૂનમની મેનેજરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એલાન કરી દીધું હતું કે એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરના કારણે મોત થઈ ગયુ છે. પરંતુ જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ પૂનમના મૃત્યુના સમાચાર રહસ્ય બની ગયા. સાંજે સમાચાર આવ્યા કે, પૂનમ, તેની મેનેજર અને સમગ્ર પરિવારના ફોન સ્વીચ ઓફ છે. એક સાથે દરેકના ફોન સ્વીચ ઓફ થવાથી અને એક્ટ્રેસની બોડી વિશે કોઈ માહિતી ન મળવાના કારણે આ સમગ્ર મામલે સસ્પેન્સ સર્જાયો હતો.
ઈન્ડસ્ટ્રી રોષે ભરાઈ
3 ફેબ્રુઆરીના રોજ સવારે પૂનમે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે હું જીવિત છું અને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે ખોટા મૃત્યુના સમાચાર ફેલાવ્યા હતા. 2 ફેબ્રુઆરીના રોજ જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી સેલેબ્સ પૂનમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે અભિનેત્રીનો નવો વીડિયો જોઈને તેઓ ભડકી ઉઠ્યા છે. તમામ લોકોએ પૂનમને આડેહાથ લીધી અને તેના પર ગુસ્સો ઠાલવ્યો હતો. સેલેબ્સે કહ્યું કે પબ્લિસિટી સ્ટંટ અને પીઆરને કારણે પૂનમે મૃત્યુનો ઢોંગ કર્યો તે યોગ્ય નથી. જીવન ખૂબ જ કિંમતી છે. અને આમાં મૃત્યુનું નાટક કરવું એ એક શરમજનક કૃત્ય છે.
પૂનમ પાંડે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં અભિનેત્રીની મેનેજર નિકિતા શર્મા અને એજન્સી Hautterfly વિરુદ્ધ IPC કલમ 417, 420, 120B, 34 હેઠળ FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તમામ પર જનતાને છેતરવાનો અને દેશ સાથે સર્વાઇકલ કેન્સરના નામે છેતરપિંડી કરવાનો કેસ બનાવવા માટે કહ્યું છે. પૂનમના આ સ્ટંટને પબ્લિસિટી અને છેતરપિંડી જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
પૂનમ વિરુદ્ધ FIR નોંધાશે
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પૂનમ પાંડે વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે પૂનમ પાંડેએ જે ફેક પીઆર સ્ટંટ કર્યો છે તે ખૂબ જ ખોટો છે. સર્વાઈકલ કેન્સર માટે જાગૃતિ ફેલાવવાની આડમાં તેએ જે સેલ્ફ પ્રમોશન કર્યું છે તે સ્વીકાર્ય નથી. આ પ્રકારના ન્યૂઝ બાદ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરવામાં સંકોચ કરશે.