જાણીતા કોમેડિયને બિગ બીની સંપત્તિમાં માગ્યો હિસ્સો, સૂર્યવંશમ અંગે ટ્રોલ કરતાં અમિતાભ ખડખડાટ હસ્યા
Samay Raina in KBC: 'કૌન બનેગા કરોડપતિ' ઈન્ડિયન ટેલિવિઝનમાં ખૂબ જ જાણીતા શોમાંથી એક છે. આ શોમાં અત્યાર સુધી અનેક લોકો આવ્યા છે, જે પોતાના જ્ઞાનથી એક જ વારમાં લખપતિ કે કરોડપતિ બની ગયા છે. જોકે, શુક્રવારે (31 જાન્યુઆરી) આ શોમાં યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા સેન્સેશન અને કોન્ટેન્ટ ક્રિએટર્સ જોવા મળશે. જેમાં સમય રૈના, તન્મય ભટ્ટ, ભુવન બામ અને કામ્યા જાની મહેમાન બનીને આવશે. હાલ, શોના અમુક વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં કોમેડિયન સમય રૈના મજાકીયા અંદાજમાં અમિતાભ બચ્ચનની મસ્તી કરતો જોવા મળે છે.
સમય રૈના, તન્મય ભટ્ટ, ભુવન બામ અને કામ્યા જાની આ શો માં જોવા મળશે. પ્રોમોમાં જોવા મળે છે કે, જ્યારે સમય રૈના હૉટ સીટ પર બેસે છે, ત્યારે તે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' ને લઈને વાત કરે છે. એટલું જ નહીં આ વાતચીતમાં તે એક્ટર પાસે તેમની સંપત્તિમાં ભાગ પણ માંગી લે છે.
'સૂર્યવંશમ' પર કરી મજાક
આ ખાસ એપિસોડ અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે અને તેના મજેદાર ક્લિપ વાઈરલ થઈ રહ્યા છે. સમય રૈના પોતાના રોસ્ટ શો 'ઈન્ડિયાઝ ગૉટ લૈટેંટ' માટે પ્રખ્યાત છે. તેણે શોમાં બિગ બીની આઇકોનિક ફિલ્મ 'સૂર્યવંશમ'ને લઈને મજાક કરી હતી. સમયે વાત-વાતમાં કહ્યું, મેં તમારી જે પહેલી ફિલ્મ જોઈ હતી તે 'સૂર્યવંશમ' હતી. બીજી પણ 'સૂર્યવંશમ' જ જોઈ હતી અને ત્રીજી પણ 'સૂર્યવંશમ'. કારણ કે, સેટ મેક્સ પર તે વારંવાર આવતી હતી. જ્યારે તમને ગઈકાલે ખબર પડી ગઈ હતી કે, ખીરમાં ઝેર છે તો આજે ફરી ખીર કેમ ખાધી? આ સાંભળીને અમિતાભ પણ પોતાનું હસવાનું રોકી ન શક્યાં.
સમયે માંગ્યો સંપત્તિમાં ભાગ
જોકે, સમયે પોતાની મસ્તી આટલેથી અટકાવી નહીં. જ્યારે અમિતાભે ફિલ્મ શહેંશાહનો ડાયલોગ 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેંશાહ' બોલ્યો, ત્યારે સમયે તુરંત મજાકમાં કહ્યું, 'તમે દીકરો બનાવી જ લીધો છે, તો પ્રોપર્ટીમાં થોડો ભાગ પણ આપી દો.' આ સાંભળીને એક્ટર ફરી હસવા લાગે છે.