કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન
- 10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
મુંબઈ, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર
'સબકો હસાને વાલા રુલા ગયા' પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 42 દિવસથી 'કોમા'માં હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહી હતી.
સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.
વધુ વાંચો: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક
કોમેડી શોથી રાજુને મળી ઓળખ
રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. રિયાલિટી શોમાં પણ રાજુએ પાર્ટીસિપેટ કર્યું હતું. પરંતુ રાજુને ઓળખ કોમેડી શો The Great Indian Laughter Challengeથી મળી હતી. આ શોમાં મળેલી સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ ફરીને નહોતું જોયું. રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન અને સાથે-સાથે નેતા પણ હતા. તેઓ બીજેપી સાથે જોડાયેલા હતા. કોઈ પણ ગોડફાધર વિના રાજુને આટલી સફળતા મેળવતા જોવું પ્રેરણાદાયક છે.