10 લાખની ટિકિટ, 99 લાખ વેઈટિંગ, છતાં કોલ્ડપ્લે માટે કેમ પડાપડી કરી રહ્યા છે યુવાનો?
Coldplay Show: હાલ કોલ્ડપ્લે નામ દેશભરમાં ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈમાં ત્રણ શો થવાના છે. 22 સપ્ટેમ્બરે શરૂ થયેલું ટિકિટોનું વેચાણ 30 મિનિટમાં જ બંધ થઈ ગયું હતું. ટિકિટની એટલી માંગ હતી કે ટિકિટ સેલિંગ પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયું હતું. આથી ટિકિટની ડિમાન્ડ જોઇને આયોજકોએ ભારતમાં ત્રણ શો કરવાનું નક્કી કર્યું.
ઈન્ટરનેટ પર ધૂમ મચાવનારું કોલ્ડપ્લે શું છે?
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.
લગભગ 9 વર્ષ બાદ આ બેન્ડ ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. આથી આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા લોકો ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેના ભાગ રૂપે 18 અને 19 જાન્યુઆરીએ આ બેન્ડ મુંબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. પરંતુ લોકોની ટિકિટમાં ડિમાન્ડ વધતા 21મી જાન્યુઆરીએ પણ શો યોજવામાં આવશે.
આ શો માટે ટિકિટ બુકિંગ 22 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે શરુ થયું હતું. પરંતુ બુકિંગના થોડા સમયમાં જ સાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ColdPlay કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે? મુંબઈ પછી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં શૉની અફવા
ટિકિટ માટે લોકોની પડાપડી
કોલ્ડપ્લે બેન્ડના શોની શરૂઆતમાં ટિકિટની કિંમત રૂ. 2,000 થી રૂ. 35,000ની વચ્ચે હતી. ₹12,500ની ટિકિટ ₹3.36 લાખથી વધુમાં વેચાઈ રહી હતી, જ્યારે સ્ટેન્ડિંગ ટિકિટ, જેની મૂળ કિંમત ₹6,450 હતી, તે ₹50,000 સુધી વેચાઈ રહી હતી. તો અમુક પ્લેટફોર્મમાં તો ટિકિટની કિંમત રૂ. 10 લાખ પણ બતાવતા હતા. તેમજ જો ટિકિટના વેઈટીંગની વાત કરવામાં આવે તો 21 તારીખના બુકિંગમાં વેઈટીંગ 99 લાખથી વધુ સુધી પહોંચી ગયું હતું. એવામાં ટિકિટ ન મળતા ફેન્સ નિરાશ થયા હતા.
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
ક્રિસ માર્ટિન અને જોની બક્લેન્ડ દ્વારા 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી, ક્રિસ અને જોનીએ સાથે પરફોર્મ કરવાનું શરૂ કર્યું, તે સમયે બંને 'બિગ ફેટ નોઈઝ' અને 'પેક્ટોરલ્સ' તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારબાદ બેરીમેનની મુલાકાત આ બંને સાથે થઈ અને તે પણ આ બંને સાથે જોડાયો અને બેન્ડનું નામ 'સ્ટારફિશ' રાખવામાં આવ્યું, પરંતુ બાદમાં બેન્ડનું નામ બદલીને 'કોલ્ડપ્લે' રાખવામાં આવ્યું.
બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી, તેણે વર્ષ 2000 માં 'પેરાશૂટ્સ' નામનો તેનો પહેલું આલ્બમ રિલીઝ કર્યું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત 'શિવર' હતું. ભારતમાં કોલ્ડપ્લેનું પહેલું પરફોર્મન્સ વર્ષ 2016માં થયું હતું.
આ પણ વાંચો: કરણ જોહર પર કેમ ગુસ્સે ભરાઈ ઝોયા અખ્તર, અભિનેતાઓને અપાતી ફીઝ મામલે આ સલાહ
કોલ્ડપ્લેનું ભારત સાથે વિશેષ કનેક્શન
વર્ષ 2016માં રોક બેન્ડ કોલ્ડપ્લે દ્વારા 'હિમ ફોર ધ વીકએન્ડ' વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સોનમ કપૂર થોડી સેકન્ડ માટે જ દેખાઈ હતી પરંતુ તેની હાજરીને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. કોલ્ડપ્લેના આ વીડિયોમાં ભારતની વિવિધતાના રંગો જોઈ શકાય છે. જેમાં ભારતીય જીવનશૈલી, ઐતિહાસિક ઈમારતો, હોળીનો તહેવાર જેવી બાબતો બતાવવામાં આવી છે.
હોટેલના ભાવ આસમાને પહોંચ્યા
કોલ્ડપ્લેનો આ કોન્સર્ટ 18, 19 અને 21 જાન્યુઆરીએ ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સર્ટના કારણે સ્ટેડિયમની નજીકની હોટલોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ત્રણ રાત માટે કેટલીક હોટલના રેટ રૂ. 5 લાખને પાર કરી ગયા છે. તેમજ સસ્તી અને થ્રી સ્ટાર હોટેલોએ પણ પોતાના ચાર્જમાં ઘણો વધારો કર્યો છે. એટલું જ નહીં ફ્લાઇટના ભાડામાં પણ વધારો થયો છે.