કંગનાના ઘરને ધ્વસ્ત કરવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વકીલને 80 લાખ આપ્યા હતા: શિંદેનો દાવો
મુંબઈ, તા. 31 ડિસેમ્બર 2022, શનિવાર
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઘરને મુંબઈ મહાનગર પાલિકા દ્વારા બિનઅધિકારીક બાંધકામ માટે બુલડોઝ ફેરવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે વિધાનસભામાં સનસનીખેજ ખુલાસો કરતા કહ્યું કે, વકીલને આ કાર્યવાહી માટે મહાવિકાસ અઘાડીએ 80 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત એકનાથ શિંદેએ એ પણ આરોપ લગાવ્યો છે કે, મહાવિકાસ અઘાડી વિરુદ્ધ ખબર છાપનારા પત્રકારોને પરેશાન કર્યા હતા. આ જ રીતે તેમણે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર પણ આરોપ લગાવ્યો હતો.
કંગનાનું ઘર ધ્વસ્ત કરવા માટે વકીલને આપ્યા હતા પૈસા: શિંદે
એકનાથ શિંદેએ વિધાનસભામાં આરોપ લગાવ્યો છે કે, મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઘર પર કાર્યવાહી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વકીલને 80 લાખ રૂપિયા આપ્યા હતા. ગયા અઠવાડિયે વિધાનસભામાં ઠરાવનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, બાળાસાહેબ હંમેશા અમને કહેતા હતા કે, તમે લડો, હું તમારી સાથે છું. મહાનગરપાલિકાએ કંગનાનું ઘર તોડવા માટે વકીલને 80 લાખ રૂપિયા આપ્યા હતા.
કંગના ઘર પર બુલડોઝર ફેરવ્યુ હતું
કંગનાનું મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં એક ઘર છે. તે ઘરની બહાર કેટલુક નિર્માણ કરવામાં આવ્યુ હતું. કંગનાએ ત્યાં પોતાની ઓફિસ બનાવી લીધી હતી. પરંતુ નવેમ્બર 2020 માં, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તાર સામે કાર્યવાહી કરી તેને બિનઅધિકારીક ગણાવી અને તેના પર સીધુ બુલડોઝર ફેરવી દીધુ હતું. પરંતુ કંગનાએ દાવો કર્યો હતો કે બાંધકામ ગેરકાયદેસર નથી.