CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, કો-સ્ટાર દયાએ અવસાનની કરી પુષ્ટિ
ક્રાઈમ શો CIDમાં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું
CID actor Dinesh Phadnis dies : CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.
અચાનક વિદાયથી ચાહકોને મોટો આંચકો લાગ્યો
લોકપ્રિય ક્રાઈમ શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 57 વર્ષની વયે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાએ રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટી (દયા)એ કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ શો CIDમાં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલ તેમની અચાનક વિદાયથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
લિવર ડેમેજના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
દયાનંદ શેટ્ટીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે દિનેશને હાર્ટ એટેક આવ્યો ન હતો પરંતુ લિવર ડેમેજ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત અત્યંત નાજુક હતી. દિનેશ ખરેખર કંઈક બીજી જ સારવાર લઈ રહ્યો હતો અને તે દવાઓએ તેના લીવરને અસર કરી હતી. તમે ક્યારેય જાણતા નથી કે તમારી એક સારવાર માટેની દવા તમને બીજી સમસ્યા ક્યારે આપી શકે છે. આપણે ખૂબ કાળજી લેવી જોઈએ તેમ દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું.