Chhaava Trailer : છત્રપતિ સંભાજી મહારાજ બનીને છવાયા વિક્કી કૌશલ, 'છાવા'નું રૂંવાડાં ઉભા કરી દેનારું ટ્રેલર
Chhaava Trailer release : અભિનેતા વિકી કૌશલની ડ્રામા ફિલ્મ 'છાવા' ઘણાં સમયથી ચર્ચાનો વિષય બની રહી છે. તાજેતરમાં નિર્માતાઓએ ફિલ્મના સ્ટાર કાસ્ટના પોસ્ટર્સ પણ શેર કર્યા હતા. જેણે સિનેમા પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. હવે ફિલ્મ 'છાવા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દેશે. અને આ ટ્રેલર ફિલ્મ જોવાની તમારી ઉત્સુકતા પણ વધારશે. ફિલ્મ નિર્માતાઓએ થોડા દિવસો પહેલા 'છાવા'ના ટ્રેલરની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં હવે નિર્ધારિત સમય મુજબ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં
ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિક્કી કૌશલનો લુક ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે. જ્યારે તેમની પત્નીના રોલમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાની ઝલક પણ જોવા મળી હતી. આ ઉપરાંત અભિનેતા અક્ષય ખન્ના ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. જે આ ફિલ્મમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યો છે.
ક્યારે રિલીઝ થશે છાવા?
જો કે વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા' ગયા વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 સાથે બોક્સ ઓફિસ પર ટક્કરને ધ્યાનમાં રાખીને ફિલ્મને રિલીઝ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મ આવતા મહિને વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહીં તમને જણાવી દઈએ કે 'છાવા'ના નિર્માતા દિનેશ વિજાન અને અમર કૌશિક છે. જેમણે ગયા વર્ષે સ્ત્રી-2 જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી.