ફિલ્મ રિવ્યૂ: 'છાવા'માં છવાયો વિકી કૌશલ, ઔરંગઝેબે આપેલી યાતનાઓનું હૃદયદ્રાવક ચિત્રણ
Chhaava Movie Review: ઈતિહાસમાં, આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઘણું વાંચ્યું છે. પરંતુ તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ વિશે વધુ વાંચવા મળતું નથી. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ 'છાવા' છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી દર્શાવે છે, જેના કારણે તેમનું નામ છાવા (સિંહનું બાળક) રાખવામાં આવ્યું હતું. શિવાજી અને ઔરંગઝેબના જીવનના 9 વર્ષ પર આ ફિલ્મ આધારિત છે. લક્ષ્મણની ફિલ્મની સ્ટોરી જાણીતા મરાઠી નવલકથાકાર શિવાજી સાવંતની મરાઠી નવલકથા 'છાવા' પર આધારિત છે. તેમજ આ ફિલ્મને 8.3 IMDb રેટિંગ મળ્યું છે.
શું છે ફિલ્મની વાર્તા?
જો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મની શરૂઆત અજય દેવગનના અવાજમાં મુઘલો અને મરાઠાઓના ઈતિહાસની ઝલક સાથે થાય છે. છત્રપતિ શિવાજી મહારાજ ગુજરી ગયા છે અને મુઘલ સામ્રાજ્યના સમ્રાટ ઔરંગઝેબને લાગે છે કે હવે તેમને દખ્ખણમાં હરાવવા માટે કોઈ બચ્યું નથી. આથી તે સંપૂર્ણ નિયંત્રણ સાથે મરાઠાઓ પર શાસન કરી શકશે. પરંતુ તેને જરાય જાણ ન હતી કે છત્રપતિ શિવાજી મહારાજનો ચોવીસ વર્ષનો નીડર અને બહાદુર પુત્ર સંભાજી ઉર્ફે છાવા (વિકી કૌશલ) તેના પિતાના સ્વરાજના સ્વપ્નને આગળ ધપાવવા મક્કમ છે. સંભાજીની પત્ની (રશ્મિકા મંદાના) પણ તેના બહાદુર પતિના આ સ્વપ્નને સાકાર કરવા તેની સાથે ઊભી છે.
વિકી દેખાવ બાબતે સંપૂર્ણ રીતે સફળ રહ્યો
વિકી કૌશલ સંભાજી મહારાજની ભૂમિકા સારો દેખાય છે. સ્ક્રીન પર તેની મહેનત પણ જોઈ શકાય છે. એક ઈન્ટરવ્યૂમાં વિકીએ કહ્યું હતું કે, 'ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે મને સિંહ જેવો દેખાવાનું કહ્યું હતું'. જો કે વિકી દેખાવ બાબતે સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો. જોકે અમુક સીનને બાદ કરતાં તે આખી ફિલ્મમાં ચીસો પાડતો જોવા મળે છે. તેઓ છત્રપતિ સંભાજી મહારાજ જેવા બહાદુર યોદ્ધાનો સાર બરાબર સમજી શક્યો નથી.
આ સાથે જ વિકી કૌશલના ઈમોશનલ સીનની વાત કરીએ તો તેમાં વિકીની એક્ટિંગ દિલ જીતી લે છે. તમે તેના મનની મૂંઝવણ અનુભવી શકશો. સંભાજીની પત્ની યેશુબાઈના રોલમાં રશ્મિકા મંદાનાએ વિકીને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. બંનેના સાથે સીન સારા છે. રશ્મિકા કેટલાક સીનમાં રાણી તરીકે સારી દેખાઈ છે. પરંતુ તેનો સાઉથ એક્સેન્ટ તેની એક્ટિંગ પર ભારે પડતો જોઈ શકાય છે.
અક્ષય ખન્નાના દેખાવ સાથે તેનું કામ પણ વખાણવા લાયક
અક્ષય ખન્નાને વિલન ઔરંગઝેબ તરીકે ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. DA મેકઅપ લેબના અદ્ભુત પ્રોસ્થેટિક્સમાં અક્ષય ખૂબ જ સુંદર લાગે છે. તેના દેખાવની સાથે તેનું કામ પણ ઘણું સારું છે. અક્ષય ખન્નાની આંખો છાવા પ્રત્યેની નફરત, ડર અને ભારતને પોતાનું બનાવવાના લોભ દેખાઈ આવે છે. અક્ષય શાંત પરંતુ ક્રૂર શાસક તરીકે ડરાવે તેવો છે.
આ સિવાય ફિલ્મમાં દિવ્યા દત્તા, અનિલ જ્યોર્જ, આશુતોષ રાણા સહિત ઘણા સારા કલાકારો છે. જો કે, કોઈને વધુ સ્ક્રીન ટાઈમ મળ્યો નથી. આ બધા જ તેમની ભૂમિકામાં સારા છે, પરંતુ ઓછા સ્ક્રીન ટાઈમને કારણે તમે તેમને કંઈ ખાસ કરતા દેખાતા નથી. વિનીત કુમાર સિંહે સંભાજીના મિત્ર કવિ કલશના પાત્રને ન્યાય આપ્યો છે. સંભાજીની સાથે તેમની કવિતા પણ સાંભળવા જેવી છે. આનો શ્રેય ઈર્શાદ કામિલને જાય છે, જેમણે ઋષિ વિરમાણી સાથેના ડાયલોગ્સ લખ્યા છે.
જાણો ફિલ્મમાં ક્યાં રહી ગઈ ચૂક
ફિલ્મને સારી બનાવવા માટે લક્ષ્મણ ઉતેકરે યુદ્ધની ઘણી સિક્વન્સનો સમાવેશ કર્યો છે. આ સાથે, આ ફિલ્મ તમને હાઈ નોટ્સ પર લઈ જશે. તેની કોરિયોગ્રાફી, ખૂન-ખરાબા અને ક્રૂરતા બધા તમારા પર અસર છોડે છે. જો કે, થોડા સમય પછી આટલા વધુ સીન જોઇને તમને થાક લાગવા લાગશે. ફિલ્મમાં તે સમયની ભવ્યતા મોટા અને સુંદર સેટ દ્વારા બતાવવામાં આવી છે. તેમ છતા ક્યાંક ક્યાંક કંઇક ખૂટતું જણાય છે. ફિલ્મમાં સૌથી મોટી સમસ્યા એડિટિંગની છે, તેની ગતિ ધીમી છે.
ફિલ્મમાં ઘણા ડાયલોગ્સ છે. પરંતુ ભાગ્યે જ કોઈ ડાયલોગ હશે જે તમને ફિલ્મ જોયા બાદ યાદ રહી જાય તેવો હોય. લૂઝ ફર્સ્ટ હાફ પછી, એક્શનથી ભરપૂર સેકન્ડ હાફ તમારી રુચિ જગાડે છે. ફિલ્મનું સંગીત બહુ ખાસ નથી, જો તમને મારપીટ અને હત્યા જેવા દ્રશ્યોથી કોઈ સમસ્યા ન હોય, તેમજ વિકી કૌશલના ફેન હોવ અને ઐતિહાસિક ફિલ્મો પસંદ હોય તો જ 'છાવા' જોવા જવું જોઈએ.