રામ ગોપાલ વર્માની ફિલ્મનું સેન્સર સર્ટિ. હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
રામ ગોપાલ વર્માની ફિલ્મનું સેન્સર સર્ટિ. હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ 1 - image


- રામ ગોપાલના માથાં માટે એક કરોડનું ઈનામ

- આંધ્રના સીએમ જગન રેડ્ડીની બાયોપિકમાં ટીડીપી વિશે અભદ્ર ઉલ્લેખોને કારણે ભારે વિવાદ

મુંબઇ : ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા રાજકીય અને કાનૂની વિવાદમાં ફસાયો છે. તેની આગામી ફિલ્મ 'વ્યૂહમ'નું સેન્સર સર્ટિફિકેટ તેલંગણા હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે આ ફિલ્મની રીલીઝ અટકી ગઈ છે. 

 રામ ગોપાલ વર્માએ આ ફિલ્મ વર્તમાન સીએમ  વાય. એસ. જગન મોહન રેડ્ડીની આરતી ઉતારવા માટે બનાવી છે. આ ફિલ્મ સીએમની બાયોપિક છે અને તેમાં જગન મોહન રેડ્ડીના જયજયાકર સિવાય કશું નથી. 

જોકે, જગન રેડ્ડીને વધારે મહાન નેતા દર્શાવવાની લ્હાયમાં રામ ગોપાલ વર્માએ ટીડીપી પક્ષ, તેના હાલના નેતા ચન્દ્રાબાબુ નાયડુ અને ટીડીપીના સ્થાપક એન.ટી.રામારાવ અંગે કેટલાક અભદ્ર ઉલ્લેખો અને વાંધાજનક ચિત્રણ દર્શાવ્યાં હોવાનું કહેવાય છે. આ મુદ્દે રાજકીય વિવાદ થયો છે. 

ટીડીપીના એક ટેકેદારે તો રામ ગોપાલ વર્માનું માથું વાઢી નાખે તેને એક કરોડનું ઈનામ પણ જાહેર કર્યુ ંછે. આ જાહેરાત બાત રામ ગોપાલ વર્માએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. 

બીજી તરફ આ ફિલ્મમાં ટીડીપી તથા તેના નેતાઓ વિશેના ઉલ્લેખોનો મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. ટીડીપીના નેતા નારા લોકેશે કરેલી અરજીના સંદર્ભમાં  હાઈકોર્ટે આ ફિલ્મને અપાયેલું સેન્સર સર્ટિફિકેટ સસ્પેન્ડ કરી દીધું છે. મતલબ કે આ ફિલ્મ હાલ તત્કાળ રીલીઝ થઈ શકશે નહીં. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી તા. ૧૧મી જાન્યુઆરીએ નક્કી કરી છે. 

બીજી તરફ સાઉથના ફિલ્મ વર્તુળોમાં એવી ટીકા થાય છે કે રામ ગોપાલ વર્માએ પૈસા ખાતર થઈને બહુ નબળી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ રીલીઝ થશે તો પણ તેની એક ફિલ્મ મેકર તરીકેની પ્રતિષ્ઠાને જ વધારે નુકસાન થવાનું છે. 


Google NewsGoogle News