કાન ફિલ્મ ફેસ્ટિવલ: પહેલીવાર કોઈ ભારતીયને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ, અનસૂયા સેનગુપ્તાએ રચ્યો ઈતિહાસ
Cannes Film Festival 2024: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મનોરંજન જગતની હસ્તીઓ આવી હતી. 14મી મેથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે એટલે કે 25મી મે છેલ્લો દિવસ છે. જેમાં આ 77માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ ઈતિહાસ રચી દીધો છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રચ્યો ઈતિહાસ
કોલકાતાની રહેવાસી અનસૂયા આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય બની છે. તેને આ એવોર્ડ ફિલ્મ 'શેમલેસ' માટે મળ્યો છે, જેનું નિર્દેશન બલ્ગેરિયન ફિલ્મમેકર કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા કરવામાં આવ્યું છે.
અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં બેસ્ટ અભિનેત્રી તરીકે પસંદ કરી
અનસૂયા સેનગુપ્તાને કાન ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં બેસ્ટ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. એવોર્ડ જીત્યા પછી, અનસૂયાએ કહ્યું, "બધા માટે સમાનતા માટે લડવા માટે તમારે સમલૈંગિક હોવું જરૂરી નથી. આપણે ફક્ત ખૂબ જ સંસ્કારી માણસો બનવાની જરૂર છે.'' આ સાથે, તેણે આ જીત માટે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોનો આભાર પણ માન્યો.
અનસૂયા સેનગુપ્તા કોણ છે?
મૂળ કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ મુંબઈમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તે હાલમાં ગોવામાં રહે છે. તેણે ઓટીટી પરના શો 'મસાબા મસાબા'નો સેટ ડિઝાઇન કર્યો હતો. અનસૂયાએ જાદવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
'સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો' અને 'બન્નીહૂડ'ને પણ મળ્યો એવોર્ડ
અનસૂયા સિવાય બે ભારતીય ફિલ્મો 'સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો' અને 'બન્નીહૂડ' એ પણ આ વર્ષના કાન ફેસ્ટિવલમાં 'લા સિનેફ સિલેક્શન'માં પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. 'સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો' એક કન્નડ શોર્ટફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ નાઇક દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે 'બન્નીહૂડ'નું નિર્દેશન મેરઠની રહેવાસી અને યુકેમાં અભ્યાસ કરતી માનસી મહેશ્વરીએ કર્યું છે.