કોણ છે પાયલ કાપડિયા? જેમની ફિલ્મે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બીજો સૌથી મોટો ઍવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ
Image Twitter |
Grand prix jury prize award: 77માં કાન ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival)માં ભારતની પાયલ કાપડિયાએ ઈતિહાસ રચ્યો છે. પાયલની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' (All We Imagine as Light)એ જે કાનો બીજો સૌથી મોટો પુરસ્કાર ગ્રાન્ડ પ્રિકસ - જ્યુરી પ્રાઇઝ (Grand Prix - Jury Prize) પોતાના નામે કર્યો છે. પાયલ આ એવોર્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા ફિલ્મ ફિલ્મમેકર બની છે. પાયલની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'નું પ્રીમિયર 23 મેના રોજ કાનમાં થયું હતું. ત્યારે તેને 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં રહેતી બે નર્સની છે.
મારી ફિલ્મની પસંદગી થઈ તે એક સ્વપ્ન સમાન
‘તમારો ખૂબ ખૂબ આભાર. આ કોમ્પિટિશનમાં મારી ફિલ્મની પસંદગી કરવી થવી એ મારા માટે એક સ્વપ્ન જેવું હતું. પરંતુ અહીં એવોર્ડ જીતવો એ મારી કલ્પના બહારની વાત છે. આભાર. હું મિગુએલ ગોમ્સ (Miguel Gomes) પોર્ટુગલનો એક ફિલ્મમેકર છે. જેને કાન 2024 માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. હું તેમની ફેન છું. એટલે તે જે કહે છે, તેનું હું પાલન કરું છું. હું મારી ફિલ્મના કલાકારોને પણ સ્ટેજ પર આમંત્રિત કરવા માંગુ છું. કારણ મને લાગે છે કે, તેમના વગર આ ફિલ્મ સંભવ નહોતી. તેમણે મને ઘણું બધું આપ્યું છે. આ ત્રણ મહિલા છે, જેમણે ફિલ્મમાં વિશેષ યોગદાન આપ્યું છે, અને તેને મારી પોતાની બનાવી છે. આપ દરેકનો આભાર."
હવે ભારતીય ફિલ્મને અહીં આવતા 30 વર્ષ નહીં થાય
‘હું ખૂબ જ ગભરાયેલી છું. એટલે મેં કંઈક લખ્યું છે. અમારી ફિલ્મને અહીં લાવવા માટે કાન ફિલ્મ ફેસ્ટિવલનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આગામી ભારતીય ફિલ્મને અહીં સ્થાન આપવામાં વધુ 30 વર્ષ ન લાગાવે. હું અમારા નિર્માતાઓ પણ આભાર માનું છું. જેમણે મારા આ અજીબ વિચારને સપોર્ટ કર્યો, કારણ કે એક ફિલ્મ બનાવવા માટે ગામની જરુર હોય છે. તેથી જ મારી ટીમ અને ક્રૂ વિના તે શક્ય ન હતું."
કોણ છે પાયલ કાપડિયા
પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાંથી પોતાની પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તે મુંબઈ પરત ફરી હતી. અહીં તેમણે સેન્ટ ઝેવિયર કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેણે સોફિયા કોલેજમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કરવા માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (FTII)માં જોડાયા. પાયલની માતા નલિની માલિની ભારતની પ્રથમ જનરેશનના વીડિયો આર્ટિસ્ટ છે.
પાયલે તેના કરિયરની શરૂઆત શોર્ટ ફિલ્મોથી કરી હતી. તેણે 2014માં પોતાની પહેલી ફિલ્મ Watermelon, Fish and Half Ghost બનાવી હતી. ત્યાર બાદ 2015માં 'આફટરનૂન ક્લાઉડ્સ ' (Afternoon Clouds) અને 2017માં 'ધ લાસ્ટ કેરી બિફોર મોનસૂન' (The Last Mango Before the Monsoon) બનાવવામાં આવી હતી. પાયલે 2018માં ડોક્યુમેન્ટ્રી 'એન્ડ વોટ ઈઝ ધ સમર સેઈંગ' (And What is the Summer Saying) પણ બનાવી હતી.
શું છે ફિલ્મની સ્ટોરી
'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ' એ મલયાલમ-હિન્દી ફીચર છે. ફિલ્મમાં કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, છાયા કદમ, રિધુ હારુન અને અઝીસ નેદુમંગડ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ બે નર્સ (પ્રભા અને અનુ)ની સ્ટોરી છે. તેઓ બંને સાથે જ રહે છે. પ્રભાના લગ્ન નક્કી થાય છે. તેના પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુ પ્રભા કરતા નાની છે. તેણે લગ્ન નહોતા કર્યા. તે એક છોકરાને પ્રેમ કરે છે. પ્રભા અને અનુ તેમના બે મિત્રો સાથે ટ્રિપ પર જાય છે. જ્યાં તે પોતાની ઓળખ શોધે છે. એક્સપ્લોર કરે છે. તેને સ્વતંત્રતાનો અર્થ સમજણમાં આવે છે. આ ફિલ્મ આ સમાજમાં સ્ત્રી હોવા, સ્ત્રીનું જીવન અને તેની સ્વતંત્રતા જેવા મુદ્દાની વાત કરે છે.
પાયલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતી ચૂકી છે. 2021 માં તેણે 'અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ' નામની ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન કર્યું. જેમાં કાન ફિલ્મમાં 2021માં ફેસ્ટિવલમાં ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ફેસ્ટિવલની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીને આપવામાં આવે છે.