સાઉથના સુપર સ્ટારની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યું, તળાવની જમીન પર કર્યું હતું ગેરકાયદે બાંધકામ!

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Actor Nagarjuna Property Demolished


Actor Nagarjuna Property Demolished: સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સામે હૈદરાબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી (HYDRA)એ મોટી કાર્યવાહી કરી છે. HYDRAએ નાગાર્જુનના કન્વેન્શન હોલ પર બુલડોઝર ફેરવી દીધું છે. ગેરકાયદે દબાણના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.  આ હોલ રંગારેડ્ડી જિલ્લામાં શિલ્પરામમ પાસે બનાવવામાં આવ્યો હતો.  આ જમીન FTL ઝોન હેઠળ આવે છે. 

જાણો શું છે મામલો?

અહેવાલો અનુસાર,10 એકરમાં બનેલા કન્વેન્શન હોલની તપાસ ઘણાં વર્ષોથી ચાલી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ જમીનનો 1.12 એકર વિસ્તાર તળાવના ફુલ ટેન્ક લેવલ (FTL)ની અંદર હતો, જ્યારે 2 એકરથી વધુ વિસ્તાર તળાવના બફર ઝોનમાં આવતો હતો. આ ગેરકાયદે બાંધકામ જમીનના ઉપયોગ અને પર્યાવરણના ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ મુસ્લિમ જાતિઓએ SCનો દરજ્જો માગ્યો, સમિતિ સાથે મુલાકાત

શનિવારે (24મી ઑગસ્ટ) સવારે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત હતા.

નાગાર્જુને હાઈકોર્ટમાં જતા સ્ટે અપાયો  

આ કન્વેન્શન હોલમાં મોટા લગ્ન પ્રસંગો તેમજ કોર્પોરેટ કાર્યક્રમોનું આયોજન કરાતું હતું. બીજી તરફ, આ કાર્યવાહીને રોકવા માટે નાગાર્જુને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. નાગાર્જુને કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી ગેરકાયદે છે. આ બાંધકામ મંજૂરી લઈને કરાયું છે. આ દલીલો સાંભળીને હાઈકોર્ટે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો આદેશ કર્યો હતો.

અભિનેતા નાગાર્જુને  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું  'હું કન્વેન્શન હોલમાં તોડફોડથી એન દુઃખી છું. આ કોર્ટના આદેશો અને સ્ટે ઓર્ડર વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી છે. ઈમારત તોડતા પહેલા કોઈ નોટીસ આપવામાં આવી ન હતી. કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે, જો કોર્ટે મારી વિરુદ્ધ ચુકાદો આપ્યો હોત, તો હું જાતે જ તોડી પાડત. પરંતુ મામલો હજુ પણ ત્યાં પેન્ડિંગ છે. નિર્ણય આવવાનો બાકી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારા દ્વારા કોઈ ખોટું બાંધકામ કે દબાણ કરવામાં આવ્યું નથી.' 

સાઉથના સુપર સ્ટારની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યું, તળાવની જમીન પર કર્યું હતું ગેરકાયદે બાંધકામ! 2 - image


Google NewsGoogle News