રણવીરની 'ડોન થ્રી' માટે 275 કરોડ કરતાં પણ વધુ બજેટ
- શાહરુખની બંને ડોન કરતાં પણ વધુ બજેટ
- જોકે, રણવીર-કિયારાનો રેકોર્ડ જોતાં આટલા પૈસા રિકવર થવા અંગે શંકાઓ
મુંબઈ : રણવીર સિંહ અને કિયારા અડવાણીની 'ડોન થ્રી' માટે ૨૭૫ કરોડ કરતાં પણ વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, રણવીર અને કિયારાનો બોક્સ ઓફિસ રેકોર્ડ જોતાં ફિલ્મ આટલું બજેટ રિકવર કરીને હિટ પુરવાર થશે કે કેમ તે અંગે શંકાઓ સેવાઈ રહી છે.
શાહરુખ અને પ્રિયંકાની '૩૮' કરોડમાં બની હતી. ત્યાર બાદ 'ડોન ટૂ' ૭૬ કરોડમાં બની હતી. આમ આ બંને ફિલ્મોનાં ટોટલ કરતાં પણ ડોન થ્રીનું બજેટ બમણાં કરતાં પણ વધારે છે.
ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર હાલના માહોલમાં રણવીર સિંહ ખુદ બોક્સ ઓફિસ પર સફળતાની ગેરંટી નથી ર હ્યો. બીજી તરફ કિયારા પણ એવું કોઈ ખાસ ફેન ફોલોઇંગ ધરાવતી નથી. આ સંજોગોમાં નિર્માતા નિર્દેશક ફરહાન અખ્તરે બહુ મોટું જોખમ લીધું છે.
જોકે, ફિલ્મની ટીમ સાથે સંકળાયેલા વર્તુળોના દાવા અનુસાર 'ડોન થ્રી'ને બહુ હેવી એક્શનનો ડોઝ ધરાવતી ફિલ્મ બનાવવામાં આવશે. શાહરુખની 'પઠાણ' અને 'જવાન' જેવી ફિલ્મોની બરાબરીમાં ટકી શકે તેવી ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાઈટ સિકવન્સ દેખાડવામાં આવશે. તેના લીધે આ ફિલ્મનું બજેટ આટલું વધી ગયું છે.