50 લાખ જીતનારી બ્રેઇન કેન્સરની દર્દી નરેશી મીણા માતાના ઘરેણાં છોડાવશે
- અમિતાભ બચ્ચને કેબીસીની સ્પર્ધકનો ઇલાજ કરાવવાનું વચન આપ્યું
મુંબઇ : કેબીસીમાં ૫૦ લાખ રૂપિયાનું પ્રાઇઝ મની મેળવનારી સ્પર્ધક નરેશી મીણાએ જણાવ્યું હતું કે તેને એક કરોડ રૂપિયાના સવાલનો જવાબ ન આવડયો તેના કારણે કોઇ અફસોસ નથી. મને એ બાબતનું ગૌરવ છે કે હું મારી યોગ્યતાના જોરે આ સ્થાને પહોંચી શકી છું. સવાઇ માધોપુરની રહેવાસી નરેશી બ્રેઇન કેન્સરની દર્દી છે. તે એક ગરીબ ખેઢૂત પરિવારની પુત્રી છે. તેના પિતાએ નરેશી તથા તેના ભાઇને કોઇપણ સ્થિતિમાં ઉત્તમ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી હતી. નરેશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આ ૫૦ લાખ રૂપિયાનું શું કરશે ત્યારે તેણે જણાવ્યું હતું કે તેના ઇલાજ માટે તેની માતાએ તેના ઘરેણાં ગીરવે મુકેલાં છે તેને હું સૌ પ્રથમ છોડાવીશ. મારા માટે માના આ ઘરેણાંનું ભાવનાત્મક મૂલ્ય ખૂબ મોટું છે. અમિતાભ બચ્ચને આ સ્પર્ધકની પ્રતિભાથી પ્રભાવિત થઇ તેના ઇલાજમાં સહાય કરવાનું પણ વચન આપ્યું હતું. બ્રેઇન ટયુમર હોવા છતાં નરેશીએ કેબીસીમાં ભાગ લેવા માટે મહેનત કરવાનું બંધ કર્યું નહોતું.
આખરે તેની મહેનત રંગ લાવી અને તેને અમિતાભ સરને મળવા મળ્યું તેનાથી નરેશી ખુશ છે.