મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સલમાન -ઐશ્વર્યા બંને હાજર
- જોકે, બંને વચ્ચે કોઈ વાત ન થઈ
- ઈન્ટરનેટ પર ચાહકોની ટિપ્પણી, કાશ બંને ફરી કોઈ ફિલ્મમાં સાથે આવે
મુંબઇ : બોલીવૂડમાં હાલદિવાળીની પાર્ટીની ઊજવણીઓ ચાલી રહી છે. હાલમાં એક દિવાળીની પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન એક જ પાર્ટીમાં ભેગા થઇ ગયા હતા. જોકે તેમની વચ્ચે કોઇ વાતચીત થઇ નહોતી.
મનિષ મલ્હોત્રાએ યોજેલી બોલીવૂડ પાર્ટીમાં બોલીવૂડના અનેક સ્ટાર્સ એકઠા થયા હતા પરંતુ સૌથી વધારે એ વાતની ચર્ચા થઈ હતી કે આ પાર્ટીમાં સલમાન અને ઐશ્વર્યા બંને હાજર હતાં.
જોકે, તેમની વચ્ચે કોઈ સંવાદની આપલે થઈ ન હતી.
ઐશ્વર્યા ડાર્ક રેડ ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી. તેનો લૂક્સ પણ વાયરલ થયો હતો.
એક સમયે સલમાન અને ઐશ્વર્યા ગાઢ પ્રેમમાં હોવાનું કહેવાય છે. સંજય લીલા ભણશાળીની 'હમ દિલ દે ચુકે સનમ'ના સેટ પર તેમનો પ્રેમ સંબંધ શરુ થયો હતો. જોકે, બાદમાં સલમાનના આકરા સ્વભાવથી ઐશ્વર્યાએ તેની સાથે બ્રેક અપ કરી લીધું હતું. સંજય લીલા ભણશાળીની જ ફિલ્મ 'દેવદાસ'નાં શૂટિંગ વખતે સલમાન અને ઐશ્વર્યાનું બ્રેક અપ થયું હતું અને ત્યારે સલમાન ઐશ્વર્યા સાથે ઝઘડો કરવા માટે સેટ પર આવી જતો હોવાનું કહેવાય છે.
સલમાન ખાને હજુ સુધી લગ્ન કર્યાં નથી જ્યારે ઐશ્વર્યા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી સ્થાયી થઈ ચૂકી છે.
ઈન્ટરનેટ પર સલમાન અને ઐશ્વર્યા એક જ પાર્ટીમાં સાથે હોવાની પોસ્ટસ વાયરલ થયા બાદ અનેક ચાહકોએ બંને ભૂતકાળ ભૂલી એક ફિલ્મમાં સાથે જોવા મળે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. કેટલાય લોકોએ લખ્યું હતું કે જો અક્ષય કુમાર અને રવિના ટંડન વર્ષો પછી સાથે કામ કરી શકતાં હોય તો સલમાન અને ઐશ્વર્યા કેમ નહીં.