બોર્ડર ટૂની જાહેરાતઃ કેસરીના દિગ્દર્શક અનુરાગ સિંઘને સુકાન
- આ ઓક્ટોબરથી શૂટિંગ શરુ થશે
- સિકવલ નહીં પરંતુ લોંગોવાલ બેટલની જ અલગ વાર્તા હશેઃ બરાબર 27 વર્ષે પાર્ટ ટૂની જાહેરાત
મુંબઇ : સની દેઓલની 'બોર્ડર ટૂ' બની રહી હોવાની લાંબા સમયથી ચાલતી ચર્ચાને આજે સત્તાવાર સમર્થન અપાયું હતું. સની દેઓલ સહિતની ફિલ્મની ટીમે આજે પાર્ટ ટૂની સત્તાવાર ઘોષણા કરી હતી. ૧૯૯૭માં બરાબર ૧૩મી જૂને જ 'બોર્ડર' ફિલ્મ રીલિઝ થઈ હતી અને બરાબર ૨૭ વર્ષ પછી આ જ તારીખે પાર્ટ ટૂની જાહેરાત કરાઈ છે.
'કેસરી' સહિતની ફિલ્મોના દિગ્દર્શક અનુરાગ સિંઘને આ પાર્ટ ટૂનું દિગ્દર્શન સોંપાયું છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક જે.પી. દત્તા આ વખતે માત્ર નિર્માતાની જ ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના ઓકટોબર મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે.
સુનિલ શેટ્ટી સહિતના 'બોર્ડર' ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોએ બીજા ભાગની જાહેરાતને વધાવી હતી.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર 'બોર્ડર ટૂ'માં કોઈ અલગ યુદ્ધની કથા નહિ હોય. 'બોર્ડર' જેના પર આધારિત હતી તે ૧૯૭૧ની ભારત પાકિસ્તાન વચ્ચેની લોંગોવાલ બેટલની જ અલગ કથા આ ફિલ્મમાં દર્શાવાશે.