જ્હાન્વી અને શિખરના સંબંધો બોનીએ જાહેરમાં સ્વીકાર્યા
શિખર ક્યારેય જ્હાન્વીને નહીં છોડે તેવી આશા
શિખર જેવો છોકરો મળ્યો એ અમારા પરિવારનાં નસીબ, હંમેશા સાથે રહેશે
મુંબઈ: બોની કપૂરે દીકરી જ્હાન્વી કપૂરના શિખર પહાડિયા સાથેના સંબંધોનો જાહેર સ્વીકાર કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે શિખર ક્યારેય જ્હાન્વીનો સાથ નહીં છોડે.
જ્હાન્વી અને શિખર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શિખર જાહ્વવી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર સાથે પણ દરેક પ્રસંગોમાં દેખાય છે અને કપૂર પરિવાર સાથે પિકનિકથી માંડીને ધાર્મિક દર્શને પણ જાય છે.
જોકે, બોનીએ પહેલીવાર જ્હાન્વી અને શિખરના સંબંધો વિશે નિખાલસ વાત કરી છે. બોનીએ કહ્યું હતું કે શિખર જ્હાન્વીની જિંદગીમાં આવ્યો તે પહેલાંથી તેના પરિવાર સાથે તેમને સારા સંબંધો છે. તેઓ શિખરને બહુ વર્ષોથી ઓળખે છે. તેમને ખબર છે કે શિખર ક્યારેય કોઈનોય સાથ છોડતો નથી. શિખર ક્યારેય જ્હાન્વી માટે એક્સ નહીં બને તેની તેમને ખાતરી છે. તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિ તરીકે તેમને પોતાને પણ શિખર બહુ પસંદ છે અને તેમના સહિત સમગ્ર પરિવાર શિખરને બહુ સન્માન આપે છે.
બોનીની આ જાહેર કબૂલાત પછી હવે શિખર અને જ્હાન્વી નજીકના ભવિષ્યમાં સગાઈ વિશે સત્તાવાર જાહેરાત કરી શકે છે તેવી અટકળો ફેલાઈ છે.