અજય દેવગણની 'મૈદાન' પ્રોડયૂસ કરવા જતાં બોની કપૂરની ઉંઘ હરામ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
અજય દેવગણની 'મૈદાન' પ્રોડયૂસ  કરવા જતાં બોની કપૂરની ઉંઘ હરામ 1 - image


- લાંબા સમયથી તૈયાર ફિલ્મની રીલીઝનું ઠેકાણું નથી

- બોનીની કબૂલાતઃ મારા બહુ પૈસા વેડફાઈ ગયા છે, જિંદગીમાં આટલી લાચારી ક્યારેય નથી અનુભવી

મુંબઈ : અજય દેવગણની મુખ્ય ભૂમિકા ધરાવતી 'મૈદાન' પ્રોડયૂસ કરીને પોતાની ઉંઘ હરામ થઈ ગઈ હોવાની કબૂલાત નિર્માતા બોની કપૂરે કરી છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે પરંતુ તેની રીલીઝનું કોઈ ઠેકાણું જ નથી. 

આ ફિલ્મ કેટલાયં વર્ષોથી બની રહી છે. પરંતુ, કોવિડના કારણે ફિલ્મ લટકી પડી હતી. તે પછી બોલીવૂડમાં મંદીનો ખરાબ તબક્કો શરુ થયો હતો. આ ફિલ્મમાં બોની કપૂરની જંગી મૂડી રોકાઈ ચૂકી છે અને હવે તેને તેના પૈસા  ક્યારે પાછા મળશે તે અંગે અનિશ્ચિતતા છે. આ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતાં તેનું બજેટ પણ ધાર્યા કરતાં ક્યાંય વધી ગયું છે. બોની કપૂરે જણાવ્યુ ંહતું કે તેને આ ફિલ્મના નિર્માણમાં થયેલાં નુકસાન પેટે પૂરેપૂરું સંતોષકારક વીમા વળતર પણ મળ્યું નથી. 

બોનીના જણાવ્યા અનુસાર હું ક્યારેય હતાશ થતો નથી. હું હંમેશાં નિરાંતની નિંદર માણું છું. પરંતુ, એકમાત્ર 'મૈદાન' ફિલ્મના કારણે મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિંદગીમાં પહેલીવાર મને એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ મારા કાબૂમાં નથી. 

બોનીના જણાવ્યા અનુસાર તેણે આ ફિલ્મ માટે ફૂટબોલનું મેદાન દેખાડવા ૧૬ એકરનો એક પ્લોટ ત્રણ  વર્ષ માટે ભાડે રાખવો પડયો હતો. અહીં ફૂટબોલ મેદાનનાં જતન માટે તથા ક્યૂરેટર્સ વગેરેને પણ મોટું પેમેન્ટ કરવું પડયું હતું. મેદાન પર રોજ ૫૦૦થી ૬૦૦ લોકો હાજર રહેતા હતા. તેમને ફાઈવ સ્ટાર કેટરિંગ સહિતની ચીજોમાં પણ બહુ ખર્ચો થયો છે. 

આ ફિલ્મ બે વર્ષ પહેલાં રીલીઝ થવાની હતી પરંતુ તે પછી તેની તારીખો આઠ વખત બદલાઈ છે. હવે આ ફિલ્મ ક્યારે રીલીઝ થશે તે કોઈ જાણતું નથી. 


Google NewsGoogle News