Get The App

'મેં પરિવારની વિરુદ્ધ નિર્ણય લીધો હતો તો હવે કેમ...' બોલિવૂડમાં સંઘર્ષ કરતી અભિનેત્રીનું દર્દ છલકાયું

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
Shalini Pandey
Image : Instagram

Actress Shalini Pandey : અભિનેત્રી શાલિની પાંડેએ હિન્દી ફિલ્મોમાં અને સાઉથની ફિલ્મો કામ કર્યું છે. તેની ફેન ફોલોઈંગ પણ જબરજસ્ત છે. શાલિની પાંડે 2017ની ફિલ્મ અર્જુન રેડ્ડીમાં મુખ્ય અભિનેત્રી હતી. તેની હિન્દી રિમેક 'કબીર સિંહ' છે અને આ બન્ને ફિલ્મો સંદીપ રેડી વાંગા દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં શાલિની પાંડેના કામને પસંદ કરવામાં આવ્યું હતું.

31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલી શાલિની પાંડેએ તાજેતરમાં 31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શાલિની શરુઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે જબલપુરમાં જ થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. હિન્દી ફિલ્મને બદલે, તેણે તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીથી તેની કારકિર્દીની શરુઆત કરી હતી.

આ પણ વાંચો : ગોરી દેખાવા લોકોએ મને દૂધથી નહાવાની સલાહ આપી, અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો

પરિવારની વિરુદ્ધ જઈને અભિનય કારકિર્દી પસંદ કરેલી

અર્જુન રેડ્ડી, જયેશભાઈ જોરદાર અને મહારાજા જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શાલિની પાંડે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે તેના પરિવારની વિરુદ્ધ જઈને અભિનય કારકિર્દી પસંદ કરી હતી. તે ખુશ છે કે તે પોતાનું સપનું જીવી રહી છે અને આખરે તેના પરિવારની નારાજગીનો અંત આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીમાં કંઈ સરખું નથી

અભિનેત્રીએ પોતાની ત્રણેય ફિલ્મો અંગે વાત કરતાં કહ્યું કે, 'મને લાગે છે કે જીવનમાં હંમેશા સંઘર્ષ હોય છે. મારા જીવનનો સૌથી મોટો પડકાર એ હતો કે મારે અભિનેત્રી બનવું હતું અને મારા પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા અને આખરે હું અભિનેત્રી બની. મને નથી લાગતું કે આનાથી મોટો પડકાર હોઈ શકે. ઇન્ડસ્ટ્રીમાં હંમેશા બધું સરખું નથી, ક્યારેક કંઈક છે, ક્યારેક કંઈક બીજું છે. હું સારા દિવસોમાં હસું છું અને ખરાબ દિવસોમાં રડું છું, પરંતુ પછી હું મારી જાતને પૂછું છું કે મારે અભિનેત્રી બનવું હતું, તો તેની સાથે જોડાયેલા સંઘર્ષથી હું શા માટે ચિંતિત છું. તે પછી હું ફરીથી સંઘર્ષ કરવા પ્રેરિત થાઉં છું.'

આ પણ વાંચો : ...તો જૂહી ચાવલાનું ગળું જ કપાઈ ગયું હોત, ક્લાઈમેક્સ સીનમાં નાની ભૂલ ભારે પડી હોત!

મારા જીવનમાં હજુ ઘણા ઉતાર-ચઢાવ આવવાના છે

પોતાની જિંદગીના ઉતાર-ચઢાવ વિશે વાત કરતાં શાલિની પાંડે કહે છે કે, 'મને લાગે છે કે મારા જીવનમાં હજુ ઘણા ઉતાર-ચઢાવ આવવાના છે. હું હજી યંગ છું પણ હા જો મારા વર્તમાન જીવનની વાત કરીએ તો હું કહીશ કે જ્યારે મને અર્જુન રેડ્ડી માટે પહેલો ચેક મળ્યો હતો તે હકીકત મારા માટે મોટી હતી. મારી કરિયરનો સૌથી લો પોઇન્ટ એ હતો કે જ્યારે કોરોના હતો ત્યારે બધા જ દરવાજા બંધ થઈ ગયા હતા. આ દરમિયાન મને સમજાયું કે, મારી કારકિર્દી દુનિયા નથી, દુનિયામાં બીજી ઘણી બાબતો મહત્ત્વની છે. ઓછામાં ઓછું હું મારા ઘરની અંદર છું. હું ખાઈ શકું છું, આ એક મોટી વાત છે.'


Google NewsGoogle News