જાણીતા અભિનેતાની ધરપકડ, હત્યામાં સંડોવણીનો આરોપ, યુવકની હત્યા કરી મૃતદેહ નાળામાં ફેંકી દીધો
Darshan Thoogudeepa | બેંગ્લુરુ પોલીસે એક હત્યાના કેસમાં પ્રસિદ્ધ કન્નડ અભિનેતા દર્શન થુગુદીપની ધરપકડ કરી લીધી છે. આ મામલે દર્શન અને અન્ય 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ હાથ ધરાઈ છે.
કઈ રીતે મામલો સામે આવ્યો?
પોલીસના જણાવ્યાનુસાર ચિતાદુર્ગ વિસ્તારના રેણુકાસ્વામી નામના યુવકની હત્યા સંબંધિત કેસમાં આ ધરપકડની કાર્યવાહી કરાઈ હતી. પીડિત રેણુકાસ્વામીનો મૃતદેહ રવિવારે કામાક્ષીપાલ્યા નજીક એક નાળામાં મળી આવ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અવર-જવર કરતાં લોકોએ શેરીના કૂતરાઓને નાળામાંથી એક મૃતદેહને ઢસડતાં જોયો. તેના પછી લોકોએ પોલીસને આ અંગે જાણકારી આપી હતી.
હત્યાનું કારણ શું હતું?
પોલીસે જણાવ્યું કે એક આરોપીએ દર્શનનું નામ જણાવ્યું છે અને દર્શન પર આરોપ છે કે તે સતત આરોપીઓના સંપર્કમાં હતો. આ મામલે તપાસ દરમિયાન કથિતરૂપે ગિરિનગરના ત્રણ લોકોએ હત્યા મામલે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્રણેયએ દાવો કર્યો હતો કે આ હત્યા પૈસાની લેવડ-દેવડ મામલે કરાઈ હતી. ક્રોસ ક્વેશ્ચનિંગમાં હત્યાનું સાચું કારણ સામે આવ્યું હતું. આરોપીઓએ દર્શનના કહેવા પર હત્યા કરી હતી.
શું ગુનો હતો પીડિતનો?
પીડિત પર આરોપ હતો કે તેણે અભિનેત્રી પવિત્રા ગૌડાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમુક અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. પવિત્રા ગૌડાને દર્શનની નજીકની મિત્ર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દર્શન કન્નડ સિનેમાના એ-લિસ્ટર્સ એક્ટર્સમાં સામેલ છે. તે એક પ્રોડ્યુસર અને ડિસ્ટ્રિબ્યુટર પણ છે. તે મેજેસ્ટિક, ધ્રૂવા, લંકેશ પત્રિકે, ધર્મા, દર્શન, જોથે જોથેયલ, સારથી, મિસ્ટર એયર્યવાર્તા, ક્રાંતિ અને કાટેરા જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.