બોલીવૂડમાં હોરર કોમેડી માટે પડાપડી, ક્રિતી સેનન પણ સામેલ
- સ્ત્રી ટૂ, મુંજિયા, ભૂલભૂલૈયાની સફળતાથી દોટ
- હોરર કોમેડીના નામે કમાઈ લેવામાં આનંદ એલ રાયે પણ ઝંપલાવ્યું
મુંબઈ : તાજેતરમાં 'ભૂલભૂલૈયા થ્રી', 'સ્ત્રી ટૂ', 'મુંજિયા' સહિતની એક પછી એક હોરર કોમેડી ફિલ્મો હિટ થતાં બોલીવૂડમાં હવે સૌ હોરર કોમેડી ફિલ્મ બનાવવા કે તેમાં કામ કરવા માટે હોડ લગાવી રહ્યા છે. ક્રિતી સેનને પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન કરી છે.
આનંદ એલ રાયની 'રક્ષાબંધન' સહિતની પાછલી મોટાભાગની ફિલ્મો નિષ્ફળ ગયા બાદ તેઓ પણ કોઈ હિટ ફોર્મ્યૂલા શોધી રહ્યા છે અને તેમણે મોટાભાગે 'નઈ નવેલી' ટાઈટલ ધરાવતી હોરર કોમેડી પ્લાન કરી છે. તેનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે.
બોલીવૂડમાં નકલચીઓની ભરમાર છે. એક ફોર્મ્યૂલા હિટ થાય એટલેબધા તેની પાછળ દોટ લગાવે છે. આ અગાઉ એક્શન ફિલ્મો, બાયોપિક, સ્પોર્ટસ ડ્રામા માટે પણ આવો જ ક્રેઝ જોવા મળ્યો હતો. આજકાલ બોલીવૂડમાં ઈન્ટેલિજન્સ ઓપરેશનની ફિલ્મોનો પણ દોર ચાલી રહ્યો છે.